Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બેટીંગમાં કોહલી ને બોલીંગમાં બુમરાહ ટોચ પર યથાવત

જો ઈંગ્લેન્ડ શ્રીલંકા સામેની વન-ડે સિરીઝ હારી જાય તો ભારતીય ટીમને વન-ડે રેન્કીંગમાં નંબર વન બનવાની તક

આઈસીસીના રેન્કિંગમાં વિરાટ કોહલી બેટિંગમાં અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બોલિંગમાં ટોચ પર યથાવત્ છે. કોહલી ૮૮૪ પોઇન્ટ સાથે રેન્કિંગમાં પહેલા સ્થાને છે તો બોલિંગમાં ડેથ ઓવરનો નિષ્ણાત જસપ્રીત બુમરાહ ૭૯૭ પોઇન્ટ સાથે ટોચ પર છે. આ ઉપરાંત બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતની વન-ડે ટીમનો વાઇસ-કેપ્ટન રોહિત શર્મા ૮૪ર પોઇન્ટ સાથે બીજા ક્રમાંક પર છે. ટોચના ૧૦ બેટ્સમેનોની યાદીમાં શિખર ધવન પણ સામેલ છે, જે ૮૦૨ પોઇન્ટ સાથે પાંચમા સ્થાને છે.

બુમરાહ ઉપરાંત બોલરોના રેન્કિંગમાં કુલદીપ યાદવ પણ ટોપ ફાઇવમાં સામેલ છે. તે ૭૦૦ પોઇન્ટ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમાંક પર છે. બોલરોમાં બીજા ક્રમાંક પર રહેલા અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનના ૭૮૮ પોઇન્ટ છે. વન-ડે ટીમ રેન્કિંગમાં ભારત ૧૨૨ પોઇન્ટ સાથે ઇંગ્લેન્ડના ૧૨૭ પોઇન્ટ બાદ બીજા સ્થાન પર છે. ઇંગ્લેન્ડને ટોચનું રેન્કિંગ બચાવવા માટે ૧૦ ઓકટોબરથી શ્રીલંકા સામે શરૂ થનારી પાંચ મેચોની વન-ડે સિરીઝમાં જીત મેળવવાની રહેશે. શ્રીલંકા સામે ઇંગ્લેન્ડ સિરીઝ હારી જાય એવી સ્થિતિમાં ભારત પાસે નંબર વન ટીમ બનવાની તક છે જે ૨૧ ઓકટોબરથી વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મેચોની વન-ડે સિરીઝ રમશે.

(3:25 pm IST)