Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ઇંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન જો રૂટના પત્ની કેરી કોટ્રેલે પુત્રીને જન્મ આપ્યોઃ ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર ફોટો શેર કર્યો

લંડનઃ ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમનો નિયમિત કેપ્ટન જો રૂટ બીજીવાર પિતા બની ગયો છે. રૂટે બુધવારે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં તે પોતાના બંન્ને બાળકોની સાથે જોવા મળી રહ્યો છે.

રૂટની પત્ની કેરી કોટ્રેલે 7 જુલાઈએ પુત્રીને જન્મ આપ્યો છે. આ બંન્નેને એક પુત્ર છે, જેની ઉંમર ત્રણ વર્ષ છે. રૂટે માર્ચ 2016માં પોતાની ગર્લફ્રેન્ડ કેરી સાથે સગાઈ કરી હતી. જાન્યુઆરી 2017માં તેમણે પ્રથમ સંતાનને જન્મ આપ્યો હતો.

29 વર્ષીય રૂટ પિતા બનવાને કારણે વિન્ડીઝ સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. રૂટની ગેરહાજરીમાં બેન સ્ટોક્સ પ્રથમ મેચમાં ટીમની આગેવાની કરી રહ્યો છે.

રૂટે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી શરૂ થયેલી ટેસ્ટ મેચ માટે પોતાની ટીમને શુભેચ્છાઓ આપી હતી. રૂટે ઈન્સ્ટાગ્રામ પર કહ્યુ, ગુડ લક બોયઝ. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ. અમે તમને જોશું અને સમર્થન કરીશું.

ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કાર્યકારી કેપ્ટન બેન સ્ટોક્સની ટીમને નિયમિત કેપ્ટન રૂટ તરફથી સંદેશ મળ્યો. મેટ્રો ડોટ કો ડોટ યૂકેએ સ્ટોક્સના હવાલાથી લખ્યુ, મને વધુ સલાહ આપવામાં આવી નથી, પરંતુ ઘણા પ્રકારના વિચાર મનમાં આવી રહ્યાં છે.

સ્ટોક્સે કહ્ય, જ્યારે મેં બ્લેઝરની સાથે પોતાનું ફોટો શૂટ પૂરુ કર્યું, ત્યારે મને મારા માટે સૌથી સારો સંદેશ મળ્યો. રૂટે મને સંદેશ મોકલ્યો, જેમાં લખ્યુ હતું, પોતાની રીતે રમો.

રૂટની ગેરહાજરીમાં શરૂ થયેલી ટેસ્ટમાં વરસાદ પડ્યો હતો. ટોસમાં ત્રણ કલાકનો વિલંબ થયો હતો. વરસાદના વિઘ્નને કારણે દિવસ દરમિયાન માત્ર 17.4 ઓવરોની રમત શક્ય બની હતી.

(4:54 pm IST)