Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

એશિયન રમતોમાં ભારતીય હોકી ટીમની કમાન રાની રામપાલના હાથમાં

નવી દિલ્હી: ફોરવર્ડ રાની રામપાલ ૧૮ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી ઈન્ડોનેશિયામાં થનાર એશિયન રમતોમાં ભારતીય મહિલા હોકી ટીમનું નેતૃત્વ કરશે. અનુભવી ગોલકિપર સવિતાને ટીમની વાઈસ કેપ્ટન બનાવવામાં આવી છે. ગોલકીપર રજની ઈતિમર્પૂને પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે રીઝર્વ ગોલકીપર તરીકે રાખવામાં આવી છે. ભારતીય ટીમ એશિયાઈ રમતોમાં ગોલ્ડ મેડલ જીતીને ૨૦૨૦ના ટોક્યો ઓલમ્પિક રમત માટે સીધી ક્વોલીફાય કરવા માંગશે. મુખ્ય કોચ શોર્ડ મારીને જણાવ્યુ કે, ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું યોગ્ય મિશ્રણ છે. મને બતાવતા ખુબ આનંદ થાય છે કે સૌ પાસે મોટી મેચોમાં રમવાનો અનુભવ પણ છે. તેમણે સાથે જણાવ્યુ કે, ૨૧ જુલાઈથી લંડનમાં શરુ થઈ રહેલ વિશ્વકપમાં ટીમના પ્રદર્શનનુ ૧૮માં એશિયાઈ રમતો પર અસર પડશે. કોચે જણાવ્યુ કે, લંડનમાં રમવુ એશિયન રમતો પહેલા ટીમના આત્મવિશ્વાસ માટે સારુ હશે. હું કહી શકું છું કે ખેલાડી સારા છે અને તે કોઈપણ ટીમ સામે જીતવા માટે સક્ષમ છે. પરંતુ હવે તમે જાતે આનો અનુભવ કરો છો તો આત્મવિશ્વાસનુ સ્તર વધવુ સારી બાબત છે. ભારતે એશિયા કપ (વિજેતા ૨૦૧૭) અને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (વિજેતા ૨૦૧૬, ઉપવિજેતા ૨૦૧૮)માં દમદાર પ્રદર્શન કરી એશિયન સ્તર પર પોતાને એક મજબુત ટીમ તરીકે સ્થાપિત કરી છે. ચીન અને દક્ષિણ કોરીયા એશિયન રમતોમાં ગોલ્ડ મેડલની રેસમાં મુખ્ય ટીમો હશે, જે ભારત માટે પડકાર સર્જી શકે છે. 

(6:10 pm IST)