Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ટ્વેન્ટી મેચ : ઇંગ્લેન્ડ પર જીત મેળવીને ભારતે શ્રેણીને જીતી

રોહિત શર્માની ફરી એકવાર શાનદાર સદી રહીઃ ત્રણ ટ્વેન્ટી-૨૦ મેચોની શ્રેણી ભારતે ૨-૧થી જીતી લીધી

બ્રિસ્ટલ,તા. ૯: રોહિત શર્માની ત્રીજી ટ્વેન્ટી-૨૦ સદીની સહાયથી ભારતે ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી-૨૦ મેચમાં ઇંગ્લેન્ડ પર સાત વિકેટે જીત મેળવીને શ્રેણી૨-૧થી જીતી લીધી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડે નિર્ધારિત ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૯૮ રન કર્યાહતા. જેસન રોયે અડધી સદી કરી હતી. જવાબમાં ભારતીય ટીમે ૧૮.૪ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન બનાવી લીધા હતા. શિખર ધવન પાંચ રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલ ૧૯ રન કરીને આઉટ થય હતો. કોહલી આઉટ થયો ત્યારે ભારતને પાંચ ઓવરમાં ૪૮ રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાએ ઝડપી બેટિંગ કરીને ભારતને જીત અપાવી હતી. તે પહેલા કાર્ડિફ ખાતે રમાયેલી ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની બીજી મેચમાં ભારત પર યજમાન ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીને  શ્રેણીમાં ૧-૧થી બરોબરી કરી હતી.માન્ચેસ્ટર ખાતે રમાયેલી ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ પર આઠ વિકેટે જીત મેળવી શાનદાર શરૂઆત કરી હતી. આની સાથે જ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. આ મેચમાં કુલદીપ યાદવના તરખાટ અને બેટિંગમાં કેએલ રાહુલની જોરદાર બેટિંગની મદદથી ભારતે જીત મેળવી હતી. ભારતે ૧૦ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે બે વિકેટે ૧૬૩ રન બનાવીને મેચ જીતી લીધી હતી.વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ આયર્લેન્ડ પર ટ્વેન્ટી શ્રેણીમાં ૨-૦થી જીત મેળવી છે. ઇંગ્લેન્ડે હાલમાં જ પાંચ વનડે મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પર ૫-૦થી જીત મેળવી હતી.

ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચા રમ્યા બાદ બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બર્મિંગહામ ખાતે રમાશે. આ ટેસ્ટ મેચ પહેલી ઓગસ્ટથી શરૂ થશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ સાતમી સપ્ટેમ્બરથી રમાશે જે ૧૧મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ક્રિકેટ નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, લાંબા ગાળા બાદ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની આ શ્રેણી રોમાંચક રહેશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ખુબ જ સંતુલિત ટીમ દેખાઈ રહી છે જેથી વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની કસોટી થશે.

(1:06 pm IST)