Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

બાંગ્લાદેશને હરાવી પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ સીરીઝમાં ક્લીન સ્વીપ આપી અફગાનિસ્તાન

નવી દિલ્હી: અફઘાનિસ્તાને જબરદસ્ત રમતનુ પ્રદર્શન કરતા બાંગ્લાદેશને હરાવી પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ સીરીઝમાં ક્લીન સ્વીપ કરતા ઐતિહાસિક જીત મેળવી. અંતિમ ત્રીજી ટી-૨૦ મેચમાં સ્પિનર રાશિદ ખાને ફરી એકવાર શાનદાર બોલિંગ કરી પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને ૧ રને મેચ હરાવી અને શ્રેણી ૩-૦થી જીતી લીધી. 

અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા ૬ વિકેટે ૧૪૫ રન બનાવ્યા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ ૧૪૪ રન જ બનાવી શકી અને ૧ રને તેણે મેચ ગુમાવવાનો વારો આવ્યો. અફઘાનિસ્તાન તરફથી શાહઝાદે ૨૬, કેપ્ટન સ્ટેનીકઝાઈએ ૨૭ અને શેનવરીએ અણનમ ૩૩ રનની ઈનિંગ રમી હતી. જેની મદદથી અફઘાનિસ્તાને ૬ વિકેટ ગુમાવી ૨૦ ઓવરમાં ૧૪૫ રન બનાવ્યા. જ્યારે બાંગ્લાદેશ તરફથી નઝમુલ ઈસ્લામે ૨ અને અબુ જાયદે ૨ વિકેટ ઝડપી હતી. જ્યારે શાકિબ અલ હસન અને અરીફુલ હકે ૧-૧ વિકેટ ઝડપી હતી. ૧૪૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ બાંગ્લાદેશની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેણે ૧૬ રનના સ્કોરે જ પોતાની પ્રથમ વિકેટ તમિમ ઈકબાલના રુપમાં ગુમાવી હતી. 
તમિમ ૫ રન બનાવીને મુજીબની બોલિંગમાં રસૌલીને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ દાસ ૧૨ રને અને સૌમ્ય સરકાર ૧૫ રને રનઆઉટ થયા હતા. આ બન્ને ખેલાડીઓની વિકેટ ગેમ ચેન્જર સાબિત થઈ હતી. જ્યારે ત્યારબાદ બાંગ્લાદેશ તરફથી વિકેટકિપર મુશીફીકર રહીમ અને મહેમુદુલ્લાહે લડાયક ઈનિંગ રમી હતી. જોકે તેમ છતાં તેઓ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા. મુશીફીકરે ૪૬ અને મહેમદુલ્લાહે ૪૫ રનની ઈનિંગ રમી હતી. જ્યારે અફઘાનિસ્તાન તરફથી મુજીબ, કરીમ જનાત અને રાશિદ ખાને ૧-૧ વિકેટ લીધી હતી. સીરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાશિદ ખાન મેન ઓફ ધ સીરીઝ જાહેર કરાયો હતો.

(4:59 pm IST)