Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ક્વાલિફાયર-૨ : ચેન્નાઇ સુપર અને દિલ્હીની વચ્ચે ૧૦મી મેના જંગ

ફાઈટ ટુ ફિનિશ મેચને લઈને ભારે ઉત્સુતા : ફાઇનલમાં પહોંચવા માટે બંને ટીમ બધી તાકાત લગાવશે

નવી દિલ્હી,તા. ૯ : હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે ૧૦મી મેના દિવસે દિલ્હી કેપિટલ અને ચેન્નાઇ સુપર કિગ્સ વચ્ચે ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બંને ટીમો જોરદાર દેખાવ કરીને ફાઇનલમાં પહોંચવા માટે પ્રયાસ કરનાર છે. ફાઇનલ મેચ ૧૨મી મેના દિવસે રમાશે. જેમાં મુંબઇ ઇન્ડિયન્સની સામે કોણ આવશે તે અંગે ફેંસલો આવતીકાલે થશે. દિલ્હી અને ચેન્નાઇ વચ્ચે રમાનારી મેચને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. દિલ્હીની ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. છેલ્લી મેચની વાત કરવામાં આવે તો સનરાઇઝ દ્વારા જોરદાર દેખાવ કરવામાં આવ્યો હોવા છતાં દિલ્હીની ટીમે સ્કોરને પાર કરી લેવામાં સફળતા મેળવી હતી. હાઇ સ્કોરિંગ મેચમાં હૈદરાબાદે આઠ વિકેટે ૧૬૨ રન કર્યા હતા. ત્યારબાદ દિલ્હીએ ૧૯.૫ ઓવરમાં આઠ વિકેટે ૧૬૫ રન બનાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હી તરફથી પૃથ્વી શોએ ૫૬ રન કર્યા હતા. પંતે ૪૯ રન કર્યા હતા. હૈદરાબાદ માટે રશિદ કાન, ભુવનેશ્વર કુમાર અને ખલીલે બે બે વિકેટ ઝડપી હતી. દિલ્હીની ટીમ જોરદાર ફોર્મમાં દેખાઇ રહી છે. આવતીકાલે રમાનારી બીજી ક્વાલિફાયરને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બીજી બાજુ ચેન્નાઇ તરફથી તમામની નજર કેપ્ટન ધોની પર કેન્દ્રિત રહેશે. કારણ કે તે હાલમાં જોરદાર ફોર્મમાં છે. સાથે સાથે તેની કેપ્ટનશીપ પણ અસર કરનાર છે. મેચનુ પ્રસારણ આવતકાલે સાંજે ૭-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. દિલ્હી અને ચેન્નાઇ વચ્ચેની મેચમાં જીતનાર ટીમ મુંબઇની સામે ટકરાશે. મુંબઇની ટીમ પ્રથમ ક્વાલિફાયરમાં ચેન્નાઇને હાર આપીને ફાઇનલમાં પહોંચી ચુકી છે. પ્રથમ ક્વાલિફાયરમાં ચેન્નાઇનો દેખાવ ખુબ નિરાશાજનક રહ્યો હતો. હવે આવતીકાલે પૂર્ણ તાકાત સાથે ઉતરશે. વિકેટ કિપર બેટ્સમેન ઋષભ પંત, પૃથ્વી શો અને અન્ય ખેલાડીઓથી ચેન્નાઈને સાવધાન રહેવું પડશે. મુંબઈ સામેની પ્રથમ ક્વાલિફાયર મેચમાં કંગાળ દેખાવ કર્યા બાદ ધોનીની ટીમ આવતીકાલની મેચમાં સંપૂર્ણ તાકાત સાથે ઉતરશે. તમામની નજર ધોની ઉપરાંત ઈમરાન તાહીર, હરભજનસિંહ, અંબાતી રાયડુ પર કેન્દ્રિત રહેશે. બીજી બાજુ દિલ્હી ટીમ પણ ઐયરના નેતૃત્વમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. બંને ટીમો નીચે મુજબ છે.

ચેન્નાઇ સુપર : ધોની (કેપ્ટન), આશીફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહર, પ્લેસિસ, ગાયકવાડ, હરભજનસિંહ, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, જગદીશન, મોનુ કુમાર, લુંગીગીડી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સેન્ટનર, કર્ણ શર્મા, મોહિત શર્મા, શોરે, ઠાકુર, વિજય, વોટસન, વિલિ

દિલ્હી કેપિટલ : અવેશ ખાન, અયપ્પરા, બેઇન્સ, બોલ્ટ, ધવન, ઇન્ગ્રામ, અય્યર, લમિછાને, મનજોત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ

રોચક જંગની સાથે સાથે

*    દિલ્હી અને ચેન્નઈ સુપર વચ્ચે આવતીકાલે ફાઈટ ટુ ફિનિશ જંગ બીજી ક્વાલિફાયર મેચમાં ખેલાશે

*    પ્રથમ ક્વાલિફાયર મેચમાં ફ્લોપ શો રહ્યા બાદ ચેન્નઈની ટીમ પૂર્ણ તાકાત સાથે ઉતરવા માટે ઈચ્છુક

*    ધોની, અંબાતી રાયડુ, હરભજન અને ઈમરાન તાહીર ઉપર તમામની નજર રહેશે

*    દિલ્હી તરફથી પૃથ્વી શો, ઋષભ પંત અને શિખર ધવન પર તમામની નજર રહેશે

*    મેચ જોવા મોટી સંખ્યામાં લોકો પહોંચે તેવી સંભાવના

*    મેચનું પ્રસારણ આવતીકાલે સાંજે ૭.૩૦ વાગ્યાથી કરાશે

(1:25 pm IST)