Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્વની ઇનિંગ રમનાર પંતની પસંદગી ન થતા ઋષિ કપૂરે પણ સવાલો ઉઠાવ્યા

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રિમિયર લિગ (આઈપીએલ)ની એલિમિનેટર મેચ વર્લ્ડ કપને ધ્યાનમાં લેતા ભારતીય ફેન્સ માટે અનેક સવાલ ઊભા કરશે એવું તો કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મેચમાં પહેલા તો વિજય શંકરે 11 બોલમાં 25 રનની મહત્વની ઈનિંગ રમીને પોતાની ટીમ હૈદરાબાદને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. વિજય શંકર વિશ્વ કપ ટીમ ઈન્ડિયામાં પસંદગી પામેલો છે. ત્યારબાદ દિલ્હી માટે ઋષભ પંતે 21 બોલમાં 49 રનનો તોફાની ઈનિંગ રમી. ઈનિંગ બાદ વિશ્વ કપમાં પંતની પસંદગી થવા બદલ અનેક સવાલો ઊઠ્યાં. તેમાં હવે ઋષિ કપૂરનું નામ પણ જોડાઈ ગયું છે.

પંતને વિશ્વ કપ માટે બહુ પહેલેથી અજમાવવામાં આવી રહ્યો હતો

પંતને ઘણા વખતથી વિશ્વ કપની ટીમ ઈન્ડિયા માટે અજમાવવામાં આવી રહ્યો હતો. તે ધોનીનો બેસ્ટ વિકલ્પ ગણાઈ રહ્યો હતો. વિકેટકીપર તરીકે પંત ભલે ધોની આગળ ટકી શકે પરંતુ ધોનીના વિકલ્પ તરીકે તેનો મુકાબલો દિનેશ કાર્તિક સામે હતો. પંતને છેલ્લી અનેક વનડે અને ટી20 સીરિઝમાં કાર્તિકની જગ્યાએ સમાવેશ કરાયો હતો. પરંતુ સિલેક્ટર્સને પંતનું પ્રદર્શન ગમ્યું નહીં અને તેમણે વિશ્વકપ માટે દિનેશ કાર્તિકની પસંદગી કરી લીધી.

ટીમ ઈન્ડિયાના ફેન્સ ચોંકી ગયા હતા

પંતની પસંદગી થતા ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા હતાં. પંતે અત્યાર સુધી એવું તો ખરાબ પ્રદર્શન નહતું કર્યું પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના શોટ સિલેક્શનની રીત પર સવાલ ઉઠી રહ્યાં હતાં. બેજવાબદાર રીતે તે આઉટ થતો હતો. આઈપીએલમાં દિલ્હી  માટે તે મોટી ઈનિંગ રમી શક્યો નહતો, પરંતુ હૈદરાબાદ વિરુદ્ધ તેની ઈનિંગે મેચને સંપૂર્ણ રીતે દિલ્હીના પક્ષમાં ફેરવી નાખી. થયું એવું કે 7 બોલ અગાઉ આઉટ થવા છતાં તેની ઈનિંગ લોકોમાં ખુબ ચર્ચાનું કારણ બની છે. કારણ કે ટીમને તે વખતે 7 બોલમાં જીત માટે ફક્ત 5 રનની જરૂર હતી.

સીધા શાસ્ત્રી અને વિરાટને પૂછ્યા સવાલ

ઋષિ કપૂરે પંતની ઈનિંગ જોયા બાદ સવાલ ઉઠાવ્યો છે. સીધો સવાલ કર્યો છે કે ઋષભ પંત વર્લ્ડ કપ સ્વોર્ડમાં કેમ નથી. તેમણે કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીને પણ ટેગ કરીને પૂછ્યું છે કે શું તેઓ સાંભળી રહ્યા છે. ઋષિ કપૂર પ્રકારના સવાલ પૂછનારા એકલા નથી. ટીમ ઈન્ડિયાના અનેક ફેન્સ પણ પ્રકારે બીસીસીઆઈને સવાલ પૂછતા અનેક મીમ્સ બનાવી ચૂક્યા છે.

આઈપીએલમાં અનેક જબરદસ્ત ઈનિંગ રમી છે પંતે

પંતે સીઝનમાં અગાઉ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ હાફ સેન્ચ્યુરી બનાવી હતી. તે અગાઉ ટીમ વિરુદ્ધ જયપુરમાં 78 રનની ઈનિંગ રમી ચૂક્યો છે. તેણે કોલકાતા સામે 46 રનની એક ઈનિંગ પણ રમી હતી. ઉપરાંત બાકીની મેચોમાં જો કે તેની બેટિંગ ઠીક હતી.

સારી ઈનિંગ્સ હોવા છતાં પંતના આઉટ થવાના તરીકાઓ પર સવાલ યથાવત છે. બુધવારે પણ પંત છગ્ગો મારીને ટીમને જીત અપાવવાના ચક્કરમાં આઉટ થયો હતો.

(5:36 pm IST)