Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સર્જરી સફળ રહી અને સિંહની જેમ દૃઢ સંકલ્‍પ સાથે હું જલ્‍દી વાપસી કરીશઃ ક્રિકેટર શ્રેયસ અય્‍યરના ખભાની સર્જરી સફળ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યરને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝમાં ઈજા થઈ હતી ત્યારબાદ તે આઈપીએલ 2021ની સીઝનમાંથી બહાર થઈ ગયો છે. હવે તેની સારવારને લઈને મોટા સમાચાર આવ્યા છે.

શ્રેયસના ખભાની સફળ સર્જરી

શ્રેયસ અય્યરએ હોસ્પિટલમાંથી પોતાની લેટેસ્ટ તસવીર શેર કરતા પોતાના ફેન્સને શાનદાર મેસેજ કર્યો છે. અય્યરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યુ, સર્જરી સફળ રહી અને સિંહની જેમ દ્રઢ સંકપ્લની સાથે હું જલદી વાપસી કરીશ. તમારા બધા લોકોનો શુભકામનાઓ માટે આભાર.

ફીલ્ડિંગ સમયે થઈ હતી ઈજા

23 માર્ચે રમાયેલી વનડે મેચ દરમિયાન શ્રેયસ અય્યરના ખભાનું હાડકુ ખસી ગયું હતું. ઈંગ્લેન્ડની ઓવરની 8મી ઓવરમાં જ્યારે અય્યરે ફીલ્ડિંગ કરવા માટે ડાઇવ લગાવી ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

ઈજા છતાં મળશે પૂરો પગાર

આ વર્ષે આઈપીએલમાંથી અય્યર બહાર થઈ ગયો છે. પરંતુ દિલ્હી કેપિટલ્સ શ્રેયસ અય્યરને પૂરો પગાર આપશે. એક સીઝન માટે અય્યરને સાત કરોડ રૂપિયા મળે છે. ફ્રેન્ચાઇઝી તેને આ રકમ આપશે. તેને ખેલાડી વીમા યોજના હેઠળ રકમની ચુકવણી કરવામાં આવશે.

રિષભ પંત દિલ્હીનો કેપ્ટન

દિલ્હી કેપિટલ્સે 2021ની આઈપીએલ સીઝન માટે અય્યરના સ્થાને રિષભ પંતને કેપ્ટન બનાવ્યો છે. પંત લાંબા સમયથી આ ટીમ સાથે આઈપીએલમાં રમી રહ્યો છે.

(5:47 pm IST)