Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

2008માં કોહલીને પદ આપવા બદલ મારો કાર્યભાળ સમાપ્ત થયો: દિલીપ વેંગસરકર

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને પસંદગીકાર દિલીપ વેંગસરકરે વર્તમાન સુકાની વિરાટ કોહલીને લઈને એક નવો ખુલાસો કર્યો છે. વેંગસરકરનું કહેવું છે કે જ્યારે તે પસંદગીકાર હતા ત્યારે તત્કાલીન સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને કોચ ગેરી કર્સ્ટન વિરાટ કોહલીને ટીમમાં સામેલ કરવા ઈચ્છતા ન હતા. 
આ ઉપરાંત વેંગસરકરે કહ્યું હતું કે ૨૦૦૮મા જ્યારે તેઓ બીસીસીઆઈની પસંદગી સમિતિના મુખ્ય પસંદગીકાર હતા ત્યારે તે કોહલીને ટીમમાં સામેલ કરવા ઈચ્છતા હતા અને તેના કારણે તેમનો કાર્યકાળ પણ ટૂંકાવી દેવામાં આવ્યો હતો. કોહલીને આ તક તામિલનાડુના બેટ્સમેન એસ.બદ્રીનાથના સ્થાને આપવામાં આવે તેવી વાત ચાલી રહી હતી. જેના કારણે બીસીસીઆઈના તત્કાલિન કોષાધ્યક્ષ એન.શ્રીનિવાસન નારાજ થઈ ગયા હતા અને થોડા જ સમયમાં તેમનું મુખ્ય પસંદગીકારનું પદ પણ જતું રહ્યું હતું. 
વેંગસરકરે કહ્યું હતું કે શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને ટેસ્ટ શ્રેણી માટે પસંદગી સમિતિની બેઠકમાં તે કોહલીને વન-ડે ટીમમાં સ્થાન આપવા ઈચ્છતા હતા. પરંતુ તત્કાલિન સુકાની ધોની અને કોચ ગેરી કર્સ્ટન સંતુષ્ટ ન હતા. મને લાગતું હતું કે કોહલીને તક આપવાનો આ યોગ્ય સમય છે અને અન્ય ચાર પસંદગીકર્તાઓ પણ મારા નિર્ણયથી સહમત હતા. જોકે, ધોની અને કર્સ્ટને કોહલીને વધારે રમતા જોયો ન હતો તેથી તેમણે ના પાડી હતી. મેં તેમને કહ્યું હતું કે હું તેને ઘણી વાર રમતો જોઈ ચૂક્યો છું તેથી તેને ટીમમાં સામેલ કરવો જોઈએ. વેંગસરકરે કહ્યું હતું કે મને ખબર હતી કે એસ.બદ્રીનાથ આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ખેલાડી હતો તેથી તેઓ તેને ટીમમાં સામેલ કરવા ઈચ્છતા હતા. જો કોહલીને ટીમમાં સામેલ કરવામાં આવે તો બદ્રીનાથને ટીમની બહાર કરવો પડતો. એન.શ્રીનિવાસન ટીમના કોષાધ્યક્ષ હતા અને તેમની ટીમના ખેલાડીને બહાર કરવાની વાતને લઈને તેઓ નારાજ થયા હતા.તેમણે મને પૂછયું હતું કે બદ્રીનાથને કયા આધારે બહાર કરવામાં આવી રહ્યો હતો. ત્યારે મેં તેમને કહ્યું હતું કે મેં કોહલીને ઓસ્ટ્રેલિયામાં બેટિંગ કરતો જોયો છે અને તે શાનદાર બેટ્સમેન છે. તેના કારણે તેને ટીમમાં સામેલ કરવા ઈચ્છું છું. શ્રીનિવાસનું કહેવું હતું કે તે ૨૯ વર્ષનો થઈ ગયો છે અને હવે તેને ટીમમાં સામેલ કરવામાં નહીં આવે તો ક્યારે આવશે. મેં કહ્યું કે તેને તક મળશે પરંતુ ક્યારે તે કહી શકાય નહીં. ત્યારપછીના દિવસે શ્રીનિવાસન શ્રીકાંતને લઈને બીસીસીઆઈ અધ્યક્ષ શરદ પવાર પાસે ગયા હતા અને ત્યારે મારો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો.

(5:44 pm IST)