Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતની વિજય કૂચ

નવી દિલ્હી:સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટની ચોથી મેચમાં ભારતે પ્રથમ વિજય મેળવતા યજમાન મલેશિયાને ૫-૧થી કચડી નાંખ્યું હતુ. ભારત તરફથી ગુરજંત સિંઘે બે જ્યારે શિલાનંદ લાકરા, રમનદીપ સિંઘ અને સુમિત કુમારે એક-એક ગોલ ફટકાર્યા હતા. ભારતીય ગોલકિપર સુરજ કારકેરાએ અસરકારક દેખાવ કરતાં ટીમનો આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો હતો. છ દેશોની હોકી ટુર્નામેન્ટની ચોથી મેચમાં પહેલી જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં છેક પાંચમા સ્થાને છે. આજે રમાયેલી અન્ય મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૪-૧થી આયર્લેન્ડને હરાવીને સતત ચોથી મેચમાં ચોથો વિજય મેળવતા ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ. જ્યારે આર્જેન્ટીના અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ૧-૧થી બરોબરી પર સમાપ્ત થઈ હતી. આ સાથે આર્જેન્ટીનાએ ૭ પોઈન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું હતુ. મલેશિયા બે જીત અને બે હાર સાથે છ પોઈન્ટ લઈને ત્રીજા ક્રમે છે. જ્યારે ઈંગ્લેન્ડ ૪ મેચમાં એક જીત, બે હાર અને એક ડ્રો સાથે પાંચ પોઈન્ટ મેળવીને ચોથા ક્રમે છે. હવે આવતીકાલના રેસ્ટ ડે પછી ભારત તેની આખરી મેચમાં આયર્લેન્ડ સામે ટકરાશે. જો ભારત આ મેચમાં મોટા અંતરથી જીત મેળવશે તો બ્રોન્ઝ મેડલ જીતવાની આશા જીવંત બની શકે તેમ છે. આર્જેન્ટીના અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ અગાઉ આખરી ગુ્રપ મેચમાં પ્રેક્ટિસ મુકાબલો જોવા મળશે. જ્યારે મલેશિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ભારત માટે મહત્વની રહેશે.

 

 

(5:39 pm IST)