Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

અણધાર્યુ પ્રદર્શન કરનાર બાંગ્લાદેશ અને બિનઅનુભવી ભારત વચ્ચે ટક્કર

સાંજે ૭ વાગ્યાથી બીજો મુકાબલો : અક્ષર પટેલના સમાવેશની સંભાવના

રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમ ટ્રાયેન્ગ્યુલર સિરીઝની પહેલી મેચમાં શ્રીલંકા સામે મળેલી હાર બાદ ભારે દબાણમાં છે. ભુવનેશ્વર કુમાર અને જશપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ બોલરોની ગેરહાજરીમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ખરાબ રહ્યુ હતું. ટીમને આજે બીજી મેચમાં બાંગ્લાદેશનો સામનો કરવાનો છે. પહેલી મેચમાં હાર બાદ રોહિત શર્માની ટીમ માટે આ મેચ મહત્વપૂર્ણ છે.

કેપ્ટન રોહિત શર્માએ એવો વિશ્વાસ વ્યકત કર્યો છે કે યુવા ખેલાડી બાંગ્લાદેશ સામે સારૂ પ્રદર્શન કરશે. રોહિત અને શિખર ધવન બાંગ્લાદેશ સામે કેવી શરૂઆત કરશે એ મહત્વનું છે. ભારત છેલ્લી ઓવરોમાં વધુમાં વધુ રન મેળવવાનો પ્રયાસ કરશે. બાંગ્લાદેશ સામેની મેચમાં અક્ષર પટેલને ચહલની સાથે બોલીંગમાં તક આપવામાં આવશે. જે ટીમનો સૌથી અનુભવી બોલર છે. વોશિંગ્ટન સુંદરે શ્રીલંકા સામે પ્રતિ ઓવરની ઈકોનોમી રેટ મુજબ બોલીંગ કરતા બે વિકેટ લીધી હતી અને સૌથી સફળ બોલર રહ્યો હતો.

બુમરાહ અને ભુવનેશ્વરને આ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. તેની ગેરહાજરીમાં શાદૂલ ઠાકુર અને જયદેવ ઉનડકટે છેલ્લી ઓવરો દરમિયાન પોતાની રમતમાં સુધારો કરવાની જરૂર છે. ભારત માટે આ ફોર્મેટમાં બાંગ્લાદેશ સામેની ટક્કર હંમેશા પડકારજનક રહી છે. આજે પણ કંઈ અલગ નહીં થાય. ઈજાગ્રસ્ત શાકીબ - અલ - હસનની ગેરહાજરીમાં મહમુદુલ્લાહ કેપ્ટન્સી કરી રહ્યો છે. તે શ્રીલંકા સામે તમામ ફોર્મેટમાં હાર્યા બાદ પોતાની ટીમને વાપસી કરાવવા માટે ઉત્સુક હશે.

(12:59 pm IST)