Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

રવિન્‍દ્ર જાડેજાએ શનિવારે ન્‍યુઝીલેન્ડ વિરૂદ્ધ ખૂબ જ શાનદાર ઇનિંગ રમી મહેન્‍દ્રસિંહ ધોની અને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ટીમના ઑલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ શનિવારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ખુબ જ શાનદાર ઇનિંગ રમી તેમાં તેણે 73 બોલમાં 55 રન બનાવ્યા હતા. જોકે તેની આ ઇનિંગ દ્વારા પણ તે ટીમ ઇન્ડિયાને જીત અપાવી શક્યો નહી પરંતુ મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવ જેવા દિગ્ગજ ખેલાડીઓની આગળ જરૂરથી નીકળી ગયો છે. જાડેજાએ નંબર 7 પર આવી સાતમી વખત હાફ સેંચુરી બનાવી છે.

આ સાથે જ તે નંબર-7 પર સૌથી વધારે હાફ સેંચુરી બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં તેણે ધોની અને કપિલ દેવને પણ પાછળ છોડી દીધા છે. આ બંન્નેના નામે નંબર-7 પર છ-છ હાફ સેંચુરી છે. જોકે ધોનીએ હાલમાં ક્રિકેટથી સંન્યાસ લીધો નથી આવામાં તે જાડેજાને પાછળ કરી શકે છે. જાડેજાની આ કુલ 12મી હાફ સેંચુરી છે.

શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા અને નવદીપ સૈની બેટથી સંઘર્ષ કર્યા બાદ પણ ભારતીય ટીમને શનિવારે ઇડન પાર્ક મેદાનમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ જીત અપાવી શક્યા નહી. યજમાન ટીમે આ મેચમાં 22 રનથી જીત હાંસલ કરી અને સિરીઝમાં 2-0ની અજેય જીત હાંસલ કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ (79) અને રૉસ ટેલર (અણનમ 73)ની ઇનિંગના કારણે ભારતીય ટીમને 274નો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય બેટ્સમેન આઉટ થતા રહ્યા અને 48.3 ઓવરોમાં 251 રન પર ટીમ ઇન્ડિયા ઑલઆઉટ થઇ ગઇ.

(2:11 pm IST)