Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

પાકિસ્તાનની આડોડાઈઃ ટી૨૦ વર્લ્ડ કપની જર્સીમાં ભારતને બદલે યુએઈનું નામ લખ્યું

ટી૨૦ વર્લ્ડ કપનું આયોજક ભારત છે પરંતુ કોરોનાને પગલે આ વર્ષે યુએઈ અને ઓમાનમાં ટૂર્નામેન્ટ રમાશે

નવી દિલ્હી,તા.૮: પાકિસ્તાનની વધુ એક શરમજનક હરકત સામે આવી છે. આ વખતે ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ પાકિસ્તાને પોતાનો અસલી રંગ બતાવ્યો છે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ ટૂર્નામેન્ટનું આયોજન ભારત કરી રહ્યું છે. ૧૭ ઓકટોબરથી ૨૪ નવેમ્બર વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં રમાશે. પાકિસ્તાનના ખેલાડીઓએ ટી૨૦ વર્લ્ડ કપ માટેની ટી-શર્ટ ઉપર ભારતનું નામ નહીં લખાવતા યુએઈનું નામ લખાવ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ અંગેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના મહામારીને પગલે આ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન યુએઈ અને ઓમાનમાં થઈ રહ્યું છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નિયમો મુજબ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી ટીમોએ પોતાની જર્સીની જમણી બાજુ યજમાન દેશનું નામ લખવું જોઈએ. હવે પાકિસ્તાનના ખેલાડીઓની જર્સી પર ભારતને બદલે યુએઈ લખ્યું હોવાથી વિવાદ થયો છે. ભારત અને પાકિસ્તાન બન્ને કટ્ટર હરીફ દેશો છે. ૨૪ ઓકટોબરના આ બન્ને દેશોની ટીમો ટી૨૦ વર્લ્ડ કપમાં આમને-સામને થશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હજી સુધી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ માટેની જર્સીને ઓફિશિયલ જાહેર નથી કરવામાં આવી. જો કે સોશિયલ મીડિયામાં વાયરલ કેટલીક તસવીરોમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પહેરેલી જર્મી ઉપર જમણી તરફ મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ઈન્ડિયા ૨૦૨૧ને બદલે મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ યુએઈ ૨૦૨૧ લખેલું જોવા મળે છે. આઈસીસી અને બીસીસીઆઈ આ અંગે પાકિસ્તાન સામે પગલાં લઈ શકે છે. સ્કોટલેન્ડ તેમજ નેધરલેન્ડે પોતાની જર્સીની સત્ત્।ાવાર જાહેરાત કરી છે.

(9:59 am IST)