Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

યુએસ ઓપનનો તાજ અંતે બિયાંકા એન્ડ્રીસ્કુએ જીત્યો

૩૭ વર્ષીય સેરેના વિલિયમ્સનું સપનુ તુટી ગયું : ૧૯ વર્ષીય બિયાંકાની સેરેનાની સામે જોરદાર રમત રહી

ન્યુયોર્ક,તા. ૮ : વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સનો તાજ મોટા અપસેટ સર્જીને આજે ટીનેજર ખેલાડી બિયાંકા એન્ડ્રીસ્કુએ જીતી લીધી હતી. ફાઈનલ મેચમાં બિયાંકાએ સેરેના વિલિયમ્સ ઉપર જોરદાર જીત મેળવી હતી. ૩૭ વર્ષીય વિલિયમ્સ પાસે ૧૯ વર્ષીય ખેલાડીના શોર્ટના કોઇ જવાબ મળ્યા ન હતા. કેનેડાની ૧૫મી ક્રમાંકિત ખેલાડીએ પ્રથમ વખત મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવીને ધરખમ દેખાવ કર્યો હતો. બિયાંકા ગ્લેમરની દુનિયામાં પણ મોટુ નામ ધરાવે છે. બીજી બાજુ આવતીકાલે પુરુષોની ફાઇનલ મેચ રમાનાર છે જેમાં રાફેલ નડાલની ટક્કર મેડવેદેવ સામે થનાર છે. એકબાજુ રાફેલ નડાલ ૧૯મી ગ્રાન્ડસ્લેમ જીતવા ઉત્સુક છે જ્યારે બીજી બાજુ મેડવેદેવ પોતાની કેરિયરની પ્રથમ ટ્રોફી જીતવા તૈયાર છે.

નડાલ ત્રણ વખત યુએસ ઓપન ચેમ્પિયન બની ચુક્યો છે. પાંચમી વખત યુએસની ફાઈનલમાં રમી રહ્યો છે અને ૨૭મી ગ્રાન્ડસ્લેમ ટાઇટલ મેચ રમી રહ્યો છે. યુએસ ઓપનમાં તેનો રેકોર્ડ ખુબ શાનદાર રહ્યો છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સેરેના વિલિયમ્સ હવે નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. આજની હાર પહેલા સેરેનાએ હજુ સુધી કુલ ૨૩ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા જીતી છે પરંતુ આજે હાર થતાં ૨૪ ગ્રાન્ડસ્લેમ જીતવાનું તેનું સપનું તુટી ગયું હતું. સેરેના વિલિયમ્સ ૨૪ ગ્રાન્ડસ્લેમ જીતીને માર્ગારેટ કોર્ટના ૨૪ ગ્રાન્ડસ્લેમ જીતવાની નજીક હતી પરંતુ આજે તેની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. ૩૭ વર્ષીય સેરેના વિલિયમ્સ નિષ્ફળ પુરવાર થઇ હતી. સેરેના વિલિયમ્સે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. બીજી બાજુ  રાફેલ નડાલનો રેકોર્ડ જોવામાં આવે તો ખુબ શાનદાર રહ્યો છે. તે ૧૮ વખત ગ્રાન્ડ સ્લેમ જીતી ગયો છે. જેમાં ઓસ્ટ્રેલિયન ઓપન એક વખત જીતી ગયો છે. ફ્રેન્ચ ઓપનમાં તો તે કિંગ તરીકે રહ્યો છે અને ૧૨ વખત આ ટ્રોેફી જીતી લીધી છે. કુલ ૧૨ વખત તે રનર્સ અપ તરીકે રહ્યો છે.

(7:56 pm IST)