Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

કેનેડાની ૧૯ વર્ષિય ટેનિસ પ્‍લેયર બિયાંકાએ જીત્‍યું પ્રથમ ગ્રાન્‍ડ સ્‍લેમઃ યુએસ ઓપન ફાઇનલમાં પ્રથમ ગ્રાન્‍ડ સ્‍લેમ મેળવવાનું બહુમાન મેળવ્‍યુ

ન્યૂયોર્ક: કેનેડાની 19 વર્ષની ટેનિસ પ્લેયર બિયાંકા એ્ડ્રેસ્ક્યુએ સેરેના વિલિયમ્સને યુએસ ઓપનની ફાઈનલમાં હરાવીને પોતાનો પહેલો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે. શનિવારે રમાયેલી આ ફાઈનલમાં બિયાંકાએ સેરેના વિલિયમ્સને સીધા સેટોમાં 6-3, 7-5થી હરાવી દીધી. યુએસ ઓપન ફાઈનલમાં સેરેનાની આ સતત બીજી હાર છે. ગત વર્ષે સેરેના નાઓમી ઓસાકા સામે ફાઈનલમાં હારી હતી.

બિયાંકા એન્ડ્રેસ્ક્યુ ગ્રાન્ડ સ્લેમ જીતનારી પહેલી કેનેડિયન છે અને આ જીત સાથે જ તે ગ્રાન્ડ સ્લેમ જીતનારી બીજી સૌથી ઓછી ઉમરની વિજેતા બની છે. સૌથી નાની ઉંમરે ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ રશિયાની મારિયા શારાપોવાના નામે છે. તે 2006માં ચેમ્પિયન બની હતી. બિયાંકાએ સેમીફાઈનલમાં સ્વિટ્ઝરલેન્ડની બેનસિચને 7-6 (7-3), 7-5થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

પહેલો સેટ બિયાંકાએ 6-3થી સરળતાથી જીતી લીધો હતો. પરંતુ ત્યારબાદ બીજા સેટમાં સેરેનાએ ટફ ફાઈટ આપી. પરંતુ છેલ્લે બિયાંકાએ આ સેટ 7-5થી જીતી લોધો અને સેરેનાના સપનાને ચકનાચૂર કરી દીધુ. 23 વાર ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલી સેરેના વિલિયમ્સ એલિના સ્વિતોલિનાને હરાવીને અમેરિકી ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચી હતી. આ પ્રકારે તે ઘરઆંગણે જ 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવા માટે તનતોડ મહેનત કરી રહી હતી. જેથી કરીને મારગ્રેટ કોર્ટના રેકોર્ડની બરાબરી કરી શકે પરંતુ તે સફળ થઈ નહીં.

(1:16 pm IST)