Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

મિતાલી રાજ રમવા માંગતી હતી, નિવૃત્તિ લેવા માટે દબાણ કર્યું હોવાની અટકળો

મુંબઇઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સચિન તેંડુલકર ગણાતી મિતાલી રાજે  ટી-૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. કેટલાક લોકોને આ જાહેરાત મહિલા ક્રિકેટનો હાલનો ઘટનાક્રમ જોતા આશ્ચર્યકારક લાગે છે. કારણ કે મિતાલીનો ઇરાદો હાલ આ ફોર્મેટમાં નિવૃત્તિ લેવાનો ન હતો. તો આખરે શું કારણ રહ્યું કે મહિલા ક્રિકેટની આ મહાન ખેલાડીએ અચાનક ટી-૨૦ ક્રિકેટમાં નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે. આવા સમયે તેની અચાનક નિવૃત્તિએ બધાને ચકિત કર્યા છે.

મિતાલી રાજની નિવૃત્તિની જાહેરાત એટલા માટે પણ ચોંકાવે છે કે કેટલાક દિવસો પહેલા તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામે ૨૪ સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી ટી-૨૦ શ્રેણીમાં પસંદગી માટે ઉપલબ્ધ છે પણ હાલ ટી-૨૦ વર્લ્ડ કપ વિશે વિચારી રહી નથી. ટીમ મેનેજમેન્ટનું ફોક્સ આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં ફેબ્રુઆરી-માર્ચમાં રમાનાર ટી-૨૦ વર્લ્ડ કપ પર છે. પણ એ માનવામાં આવે છે કે મિતાલી રાજ સુધી એ સંદેશો પહોંચાડી દેવામાં આવ્યો હશે કે તે ટી-૨૦ ફોર્મેટમાં ટીમની ભવિષ્યની યોજનાઓમાં સામેલ નથી. આ જ કારણે કોઈ પ્રકારની અસહજ કરનારી સ્થિતિથી બચવા માટે મિતાલીએ ઇચ્છા ન હોવા છતા નિવૃત્તિનો રસ્તો પસંદ કર્યો હતો. મિતાલી રાજ ૩૬ વર્ષની થઈ ગઈ છે અને ૨૦૨૧માં ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપમાં રમવા માટે પોતાની પ્રતિબદ્ધતા બતાવી ચૂકી છે.

રસપ્રદ વાત એ છે કે બીસીસીઆઈના એક અધિકારીએ હાલમાં જ કહ્યું હતું કે મિતાલી રાજની કારકિર્દી શાનદાર રહી છે. તે એક શાનદાર ખેલાડી છે પણ તેણે પોતાની ટી-૨૦ કારકિર્દી વિશે જલ્દી નિર્ણય કરવો પડશે. ખબર એવી આવી રહી હતી કે પસંદગીકારો ટીમ પસંદગી પહેલા મિતાલીને તેના ભવિષ્ય વિશે વાત કરી શકતા હતા. જોકે હવે મિતાલીની જાહેરાતથી સ્પષ્ટ થઈ ગયું છે કે કદાચ પસંદગીકારોની મિતાલી સાથે વાત થઈ ચૂકી હશે. ટી-૨૦ ક્રિકેટમાં મિતાલી રાજની કારકિર્દી ઉપર ત્યારથી સવાલ ઉઠવા લાગ્યા છે જ્યારે ગત વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલ ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં મિતાલીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.

૨૦૧૮ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની સેમિ ફાઇનલ મેચમાં મિતાલી ફિટ હોવા છતા તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. સેમિ ફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો. આ સાથે જ કેપ્ટન હરમનપ્રીત અને મિતાલી રાજ વચ્ચે મતભેદના સમાચાર બહાર આવ્યા હતા.

(12:56 pm IST)