Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ઓસ્ટ્રેલીયામાં ટી-૨૦ વર્લ્ડ કપ રમવાની સંભાવના નહિવતઃ લોકડાઉનનો બીજો તબક્કો ચાલુ થશે

BCCIને આશા છે કે ICC ટુનામેન્ટ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે

નવી દિલ્હી,તા.૮: : ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં લોકડાઉનનો બીજો તબક્કો શરૂ થવાની સંભાવના છે. આ બીજો તબક્કો ૬ સપ્તાહ સુધી લાગુ કરવામાં આવશે જેને લીધે ટી૨૦ વર્લ્ડ કપના આયોજનમાં મુશ્કેલી આવી શકે છે. જોકે એમ છતાં ભારતીય ક્રિકેટ બોર્ડને આશા છે કે આઇસીસી નજીકના સમયમાં આ ટૂર્નામેન્ટ વિશે કોઈ અંતિમ નિર્ણય લેશે.

સમયસર આ ટુર્નામેન્ટ યોજવી કે ન યોજવી એ વિશે અનેક ચર્ચા થઈ છે, પણ આઈસીસીએ હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. તેમના નિર્ણય પર સૌકોઈની નજર છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ આ ટુર્નામેન્ટ યોજી ન શકવાની પોતાની અનિચ્છા પ્રગટ કરી હતી.

આ ટુર્નામેન્ટ વિશે વાત કરતાં બીસીસીઆઇના અધિકારીએ કહ્યું કે 'આ ટૂર્નામેન્ટ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલીયાને ઘણી બધી લોજિસ્ટિક મુશ્કેલીઓ નડી શકે છે એ સમજવા જેવી વાત છે. ઓસ્ટ્રેલિયન સરકાર આખા દેશની જનતાને સ્વસ્થ રહેવા માટે અપીલ કરી રહી છે એવામાં તેમના નિર્ણયને અનુરૂપ થઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કોઈ નિર્ણય લેશે. સામા પક્ષે મેલબર્નમાં લોકડાઉન વધવાની સંભાવના હોવાથી આઇસીસીએ જવાબદારી લઈને કોઈ અંતિમ નિર્ણય લેવો જ પડશે.

(2:56 pm IST)