Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

બ્રાઝિલ ઉપર વિજય બાદથી બેલ્જિયમ ટીમની બોલબાલા

ટીમની માર્કેટ વેલ્યુ ૫૪૭ મિલિયન યુરો થઇ : સ્ટાર ડી બ્રુઇનની વેલ્યુ વધીને ૧૫૦ મિલિયન યુરો થઇ

મોસ્કો,તા. ૮ : બ્રાઝિલ ઉપર જીત મેળવી લીધા બાદ બેલ્જિયમની ટીમની બોલબાલા સતત વધી રહી છે. પોતાના પ્રતિભાશાળી ખેલાડીઓના કારણે ગોલ્ડન જનરેશનની ટીમ ગણાતી બેલ્જિયમની ટીમે સેમિફાઇનલમાં  પ્રવેશ કરવાની સાથે જ વર્લ્ડ ફુટબોલમાં પોતાની નોંધણી પુરવાર કરી દીધી છે. થિબાઉચ કોર્ટોઇસ, કેવિન ડી બ્રુઇન, અડેન હજાર્ડ અને રોમુલુ લુકાકુની ચોકડીએ જોરદાર પ્રભુત્વ જમાવ્યું છે. બે વર્ષ પહેલા આર્જેન્ટીનાએ યુરો ૨૦૧૬માં હાર આપી હતી. હવે તેમની પાસે મોટી ઇન્ટરનેશનલ સ્પર્ધા જીતવાની સુવર્ણ તક રહેલી છે. બેલ્જિયમના ટ્રમ્પ કાર્ડ તરીકે તેમના ગોલકીપર કોર્ટોઇસ સાબિત થઇ રહ્યો છે. છ ફુટની ઉંચાઈ ધરાવતા આ ગોલકીપરે મજબૂત ટીમોને પણ ગોલ કરવાની તક આપી નથી. નેમાર જેવા સ્ટાર ખેલાડીઓ પણ તેની સામે થાપ ખાઈ ગયા છે. બીજી બાજુ લુકાકુ હંમેશાની જેમ આક્રમણમાં સૌથી આગળ રહ્યો છે. તેના શાનદાર દેખાવથી ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધી ગયો છે. કોચ રોબર્ટો માર્ટિનેજની પહેલા ટીકા થઇ રહી હતી કે, તે ડી બ્રુઇનથી સર્વશ્રેષ્ઠ દેખાવ કરાવી શક્યા નથી પરંતુ બ્રાઝિલ સામે તેના દેખાવથી તમામ લોકો ચોંકી ગયા હતા. બ્રાઝિલની સામે તેમની રણનીતિ અસરકારક રહી હતી. બેલ્જિયમની ટીમ જ્યારે વર્લ્ડકપમાં ભાગ લેવા પહોંચી ત્યારે સ્ટાર ખેલાડીઓને લઇને બજારમાં કોઇ ચર્ચા ન હતી. એક શાનદાર ગોલકીપર હોવા છતાં કોર્ટોઇસ ટોપના ગોલકીપરમાં સ્થાન મેળવી શક્યો ન હતો પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. તેની માર્કેટવેલ્યુ પણ વધી ગઈ છે. બ્રાઝિલ ઉપર જીત બાદ રેડ ડેવિલ્સ બેલ્જિયમની ટીમની માર્કેટ વેલ્યુ ૫૪૭ મિલિયન યુરો સુધી પહોંચી ગઈ છે જેમાં સ્ટ્રાઇક ડી બ્રુઇનની માર્કેટવેલ્યુ આશરે ૧૫૦ મિલિયન યુરો સુધી પહોંચી ગઈ છે જે સૌથી વધારે છે.

 

(7:45 pm IST)