Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

બ્રાઝિલ પાસે સંતુલિત ટીમ નથી જ : પેલેનો અભિપ્રાય

નેમાર એકલા હાથે વર્લ્ડ કપ ન જીતાડી શકે : વિશ્વના સૌથી મહાન ફુટબોલ ખેલાડી પેલેનો સ્પષ્ટ મત

મોસ્કો,તા.૮ : ફીફા વર્લ્ડ કપની શરૂઆત થવા આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ફુટબોલ જગતના કરોડો ચાહકો તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. બ્રાઝિલની ટીમને આ વખતે પણ સૌથી ફેવરીટ ટીમ પૈકીની એક તરીકે ગણવામાં આવે છે. જો કે આ બાબત સાથે મહાન ફુટબોલ ખેલાડી પેલે સહમત નથી. પેલે સાફ રીતે માને છે કે આ વખતે  પણ બ્રાઝિલની ટીમ સંતુલિત ટીમ નથી. સંતુલિત ટીમ ન હોવાના કારણે તેની તક ઓછી રહેલી છે. પેલે નક્કર પણે માને છે કે ટીમમાં નેમાર જેવો સ્ટાર ખેલાડી છે પરંતુ તેની હાજરી પણ બ્રાઝિલને વિશ્વ કપ જીતાડી શકે નહી., એક ખેલાડીના આધાર પર કપ જીતી શકાય નહી. નેમાર ફરીથી ફિટ થયા બાદ ટીમમાં પરત ફર્યો છે જેથી ટીમને ચોક્કસપણે કેટલાક અંશે રાહત થઇ છે. અભ્યાસ મેચમાં નેમાર એક ગોલ પણ કરી ચુક્યો છે. પરંતુ મહાન ફુટબોલ ખેલાડી પેલે માને છે કે તે એકલા હાથે વર્લ્ડ કપ ટીમને ન જીતાડી શકે. નેમાર વર્લ્ડના બેસ્ટ ખેલાડીઓ પૈકી એક છે તેમાં કોઇ બે મત નથી પરંતુ ટીમ સંતુલિત રહે તે જરૂરી છે. ટીટેને કોચ બનાવી દેવામાં આવ્યા બાદ બે વર્ષના ગાળા દરમિયાન બ્રાઝિલને ૨૦ મેચોમાંથી એકમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હાલમાં રમાયેલી ફ્રેન્ડલી મેચોમાં તેની કેટલીક નબળાઇ ખુલીને સપાટી પર આવી છે. ટીમમાં કેટલાક ફેરફાર હાલમાં કરવામાં આવ્યા છે. પેલેએ કહ્યુ હતુ કે હરિફ ટીમોને પડકાર ફેંકી શકે તેવી સંતુલિત ટીમ નથી. જો કે પેલેએ કહ્યુ હતુ કે તેમને કોચ પર વિશ્વાસ છે. વ્યક્તિગત રીતે તમામ ખેલાડી જોરદાર છે પરંતુ ટીમ તરીકે આ કોઇ જોરદાર ટીમ દેખાઇ રહી નથી. બ્રાઝિલે વિતેલા વર્ષોમાં પાંચ વખત ટ્રોફી જીતી છે. જે પૈકી ત્રણ વખત તો પેલેની બ્રાઝિલને ચેમ્પિયન બનાવી દેવામાં ભૂમિકા રહી છે.

(12:57 pm IST)