Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

મોન્ટેરરી ઓપનની ફાઇનલમાં અઝારેન્કાનો પ્રવેશ

નવી દિલ્હી: પાંચમી ક્રમાંકિત બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કાએ પ્રથમ ક્રમાંકિત જર્મનીની એન્જેલિક કાર્બેરને ત્રણ સેટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં પરાજય આપી મોન્ટેરરી ઓપનની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ફાઇનલમાં અઝારેન્કાનો સામનો સ્પેનની ગાર્બાઇન મુગુરુઝા સામે થશે. ગત ચેમ્પિયન મુગુરુઝાએ અન્ય એક સેમિફાઇનલમાં સ્લોવાકિયાની મેગડેલેના રિબારિકોવાને પરાજય આપ્યો હતો. વિક્ટોરિયા અઝારેન્કા પુત્રને જન્મ આપ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વાર કોઈ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. અઝારેન્કા પહેલાં માર્ચ ૨૦૧૬માં ઈન્ડિયન વેલ્સ અને મિયામી ઓપનની ફાઇનલમાં પહોંચી હતી. અઝારેન્કાએ કાર્બેરને સવા બે કલાક ચાલેલી મેચમાં ૬-૪, ૪-૬, ૬-૧થી પરાજય આપ્યો હતો. અઝારેન્કાનો કાર્બેર સામે નવમો મુકાબલો હતો જેમાં અઝારેન્કાએ જીત-હારનો રેકોર્ડ ૮-કરી દીધો છે.બીજી ક્રમાંકિત ગાર્બાઇન મુગુરુઝાએ આઠમી ક્રમાંકિત મેગડેલેના રિબારિકોવાને સવા કલાક સુધી ચાલેલી મેચમાં ૬-૨, ૬-૩થી હાર આપી હતી. રિબારિકોવાને પ્રથમ સાત ગેમ બાદ પગમાં ઈજાને કારણે મેડિકલ ટાઇમ આઉટ લેવો પડયો હતો. તે પછી રિબારિકોવા લયમાં જોવા મળી નહોતી અને મુગુરુઝા સતત બીજા વર્ષે અહીં ફાઇનલમાં પહોંચી ગઈ હતી.

(6:09 pm IST)