Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ટીમ ઈન્ડિયાનો ૨૨ રને પરાજયઃ ન્યુઝીલેન્ડનો શ્રેણી વિજય

ન્યુઝીલેન્ડ ૫૦ ઓવર - ૨૭૩/૮, ગુપ્ટીલ ૭૯, રોસ ટેલરના ઝડપી ૭૩ રન, ચહલને ૩, ઠાકુરને ૨ વિકેટ : શ્રેયસ અય્યર ૫૨ અને અંતિમ ઓવરોમાં જાડેજાએ લડત આપી : ન્યુઝીલેન્ડ વન-ડે સીરીઝ જીત્યુ : ૧૧મીએ અંતિમ વન-ડે

ઈડન પાર્ક : બીજા વન-ડેમાં ભારતનો ૨૨ રને પરાજય થયો છે. આ મેચ હારતાની સાથે જ ટીમ ઈન્ડિયાએ ૦-૨થી સીરીઝ પણ ગુમાવી દીધી છે. ૨૭૪ રનના આપેલા ટાર્ગેટ સામે ભારતીય ટીમ ૨૫૧ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ અગાઉ વિરાટ કોહલીએ ટોસ જીતી ન્યુઝીલેન્ડને દાવ આપ્યો હતો. ન્યુઝીલેન્ડની સારી શરૂઆત બાદ મિડલ ઓર્ડરમાં ધબડકો થયા બાદ અંતિમ ઓવરોમાં રોષ ટેઈલરની ફટકાબાજીથી ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૭૩ રન બનાવ્યા હતા. ઓપનરો ગુપ્ટીલ ૭૯, નિકોલ્સ ૪૧, બ્લન્ડેલ ૨૨, ટેઈલર ૭૩ (નોટઆઉટ), લાથમ ૭, નિશામ ૩, ગ્રાન્ડહોમ ૫, ચેપમેન ૧ અને સાઉથી ૩ રન બનાવી આઉટ થયા હતા.

ટીમ ઈન્ડિયાના બોલરો ચહલ ૩, શાર્દુલ ઠાકુર ૨ અને જાડેજાએ ૧ વિકેટ લીધી હતી.

૨૭૪ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ભારતીય ટીમના નવોદીત ઓપનર મયંક અગ્રવાલ ૩ રને પેવેલીયન ભેગો થઈ ગયો હતો. ત્યારબાદ પૃથ્વી શો ૨૪, વિરાટ ૧૫, રાહુલ ૪, કેદાર જાદવ ૯ અને શાર્દુલ ઠાકુર ૧૮ રન બનાવી આઉટ થયા હતા. નિરંતર વિકેટો પડતી હતી. એકમાત્ર શ્રેયસ અય્યરે ૫૭ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૫૨ રન બનાવ્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ વળતી લડત આપી હતી અને અંતિમ ઓવરોમાં ન્યુઝીલેન્ડના બોલરોની ધોલાઈ કરી હતી. નવોદીત નવદીપ સૈનીએ પણ જાડેજાનો સાથ આપ્યો હતો. તેણે ૪૯ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૪૫ રન બનાવ્યા હતા. સૈનીની વિકેટ પડ્યા બાદ ચહલ તુરંત રનઆઉટ થઈ ગયો હતો. ૪૯મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા પણ અંગત ૫૫ રનના જુમલે આઉટ થઈ ગયો હતો, આમ ભારતનો ૨૨ રનથી પરાજય થયો હતો. ન્યુઝીલેન્ડે ૩ મેચોની સીરીઝ ૨-૦થી જીતી લીધી છે અને અંતિમ મેચ ૧૧મીએ રમાશે.

(4:04 pm IST)