Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

મીરાબાઈ ચાનુએ ઈજીએટી કપમાં ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હી: ભારતની વર્લ્ડ ચેમ્પિયન વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ થાઈલેન્ડમાં યોજાયેલા ઈજીએટી કપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. મીરાબાઈની આ સફળતા એટલા માટે મહત્વની છે કારણ કે તે પીઠની ઈજાના કારણે છેલ્લા આઠ મહિનાથી આરામ પર હતી. આ જીતની સાથે તેની ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાની શક્યતા વધી ગઈ છે. મણીપુરની ૨૪ વર્ષની વેઈટલિફ્ટરે ૪૯ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં કુલ ૧૯૨ કિલો વજન ઊંચકીને સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. આ ઈવેન્ટ ઓલિમ્પિક ક્વોલિફાઈંગની સિલ્વર લાઈન ઈવેન્ટ તરીકે ઓળખાય છે અને તેના પોઈન્ટ્સને આધારે આગામી સમયમાં ૨૦૨૦ના ઓલિમ્પિક માટેના વેઇટલિફ્ટરો ક્વોલિફાય થશે. મીરાબાઈ ચાનુએ સ્નેચમાં ૮૨ કિગ્રા, ક્લિન એન્ડ જર્કમાં ૧૧૦ કિગ્રા વજન ઉંચકતા ટોચનું સ્થાન હાંસલ કર્યું હતુ. જાપાનની મિયાકે હિરોમીને ૧૮૩ કિગ્રા વજન ઉંચકવા બદલ સિલ્વર અને પાપુઆ ન્યુ ગીનીની લોએ ડિકા ટોઉને ૧૭૯ કિગ્રા વજનની સાથે બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ચાનુ ઈજાના કારણે ગત વર્ષે રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ શકી નહતી. તે ઈજાના કારણે જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાંથી પણ બહાર રહી હતી. 

(5:42 pm IST)