Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ઓસ્ટ્રેલીયા ૩૩૮ રનમાં ઓલાઆઉટઃ સ્મિથની સદીઃ જાડેજાને ૪ વિકેટઃ ભારત ૯૬/૨: ગિલની ફીફટી

સ્મિથ ૧૩૧, લબુસચંગે ૯૧ રને આઉટઃ ભારતીય બોલરોની શાનદાર બોલીંગ : સિડની ટેસ્ટ દિવસ-૨ પૂર્ણઃ રોહિત ૨૬ રન બનાવી આઉટઃ પૂજારા- રહાણે દાવમાં

સિડની,તા.૮: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂર્ણ થઈ છે, ત્યાં સુધી ભારતે ૨ વિકેટ ગુમાવીને ૯૬ રન બનાવી લીધા છે. કેપ્ટન આંજિક્ય રહાણે ૫ અને ચેતેશ્વર પુજારા ૯ રને ક્રિઝ ઉપર છે. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સે ૧-૧ વિકેટ ઝડપી છે. ભારત હજુ પણ ઑસ્ટ્રેલિયાથી ૨૪૨ રન પાછળ છે.

ભારતની ઇનિંગનું આકર્ષણ યુવા બેટ્સમેન શુભમન ગિલ રહ્યો. તેણે પોતાના કેરિયરની ત્રીજી ઇનિંગમાં મજબૂત ઓસ્ટ્રેલિયા સામે શાનદાર અડધી સદી ફટકારી. ગિલે કમિન્સની ઓવરમાં આઉટ થતા પહેલા ૧૦૧ બોલમાં ૮ ચોગ્ગાની મદદથી ૫૦ રન બનાવ્યા. ગિલે પહેલી વિકેટ માટે રોહિત શર્મા સાથે ૭૦ રનની ભાગેદારી કરી. રોહિતે ૭૭ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૬ રન બનાવ્યા. તેની વિકેટ જોશ હેઝલવૂડે ઝડપી.આ પહેલા દિગ્ગજ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથની ૨૭મી ટેસ્ટ સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ રવિન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગ છતા ભારતની વિરૂદ્ધ પહેલી ઇનિંગમાં ૩૩૮ રન બનાવ્યા હતા. સ્મિથે ૧૩૧ રન બનાવ્યા હતા. તેણે ૨૨૬ બોલનો સામનો કર્યો અને ૧૬ ચોગ્ગા લગાવ્યા હતા. માર્નસ લાબુશેન (૯૧) અને પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા પુકોવસ્કીએ ૬૨ રનનું યોગદાન આપ્યું. સ્મિથ અને લાબુશેને ત્રીજી વિકેટ માટે ૧૦૦ રનની ભાગેદારી કરી હતી.

જાડેજાએ લાબુશેનને સદીથી વંચિત રાખ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. જાડેજાએ ૬૨ રન આપીને ૪ વિકેટ લીધી હતી. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ અને પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા નવદીપ સૈનીએ ૨-૨ વિકેટ લીધી. મોહમ્મદ સિરાજને ૧ વિકેટ મળી હતી. જાડેજાએ એક જબરદસ્ત થ્રો કરીને સ્મિથને રન આઉટ કરી ઓસ્ટ્રેલિયન ઇનિંગનો અંત લાવ્યો હતો.

(3:56 pm IST)