Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ગોલ્ડ મેડલ પર કસ્ટમ ડયુટી, ખેલપ્રધાને કહ્યું કુરિયર કંપની અને કસ્ટમ વચ્ચે થઇ ગેરસમજ, વિજેતાને રૂપિયા પાછા અપાશે

નવી દિલ્હી તા. ૭: દેશના ખેલપ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે ભારતના ચેસ પ્લેયર શ્રીનાથ નારાયણ પાસેથી વસુલવામાં આવેલા કસ્ટમ-ચાર્જના રૂપિયા તેને પાછા આપી દેવામાં આવશે. વાસ્તવમાં ફિડે ઓનલાઇન ચેસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ શ્રીનાથ નારાયણને તેના ગોલ્ડ મેડલ પર કસ્ટમ ચાર્જ ભરવાનું કહેવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર નારાયણને પ્રાપ્ત થયેલા ગોલ્ડ મેડલ પર ૬૩૦૦ રૂપિયાનો કસ્ટમ-ચાર્જ ભરવો પડયો હતો. આ મેડલ તે ઓગસ્ટ મહિનામાં યોજાયેલી ફિડે ઓનલાઇન ચેસ ચેમ્પિયનશિપમાં જીત્યો હતો.

ખેલપ્રધાન કિરેન રિજિજુએ ટ્વીટ કરીને જણાવ્યું કે 'હું ઘણો નિરાશ છું. મારી ઓફિસથી નારાયણનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ મુદ્દાનું નિવારણ લાવવામાં આવ્યું હતું આ કુરિયર કંપની અને કસ્ટમ વિભાગ વચ્ચે થયેલી ગેરસમજણનું પરિણામ છે. આ મામલાનું હવે નિવારણ આવી ચુકયું છે. અને કંપનીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. શ્રીનાથને તેના રૂપિયા પાછા આપી દેવામાં આવશે.'

(2:48 pm IST)