Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ઈનફોર્મ પંડયાએ ફરી રંગ રાખ્યોઃ ભારતનો ટી-૨૦ સિરીઝ ઉપર કબ્જોઃ સતત ૧૦મો વિજય

ઓસ્ટ્રેલીયા ૧૯૪/૫: ભારત ૧૯.૪ ઓવર ૧૯૫/૪ : પંડયા અને ઐયર ટીમને વિજય દ્વાર સુધી લઈ ગયા, નટરાજનની અસરકારક બોલીંગઃ કાલે અંતિમ મેચ

સિડનીઃ. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈ કાલે રમાયેલી બીજી ટી-૨૦ મેચ ૬ વિકેટે જીતીને ભારતે ત્રણ ટી-૨૦ મેચની સિરીઝ કબ્જે કરી લીધી છે. વન-ડે સિરીઝ ગુમાવ્યા બાદ ભારતે ટી-૨૦ સિરીઝમાં પોતાનો દમ દેખાડયો હતો. આઈપીએલ બાદ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં ખીલીને રમનારો હાર્દિક પંડયા આ ટી-૨૦ સિરીઝમાં પણ ખીલીને રમ્યો હતો અને રમત દરમ્યાન બેટ બદલીને મેચ વિનિંગ શોટ લગાડવામાં સફળ થયો હતો. ભારતની ટી-૨૦ ક્રિકેટમાં આ સતત દસમી જીત હતી.ઈન્ડીયન ટીમનું ઓપનિંગ લોકેશ રાહુલ અને શિખર ધવને કર્યુ હતુ અને પહેલી વિકેટ માટે તેમણે ૫૬ રનની ભાગીદારી કરી હતી. રાહુલ ૨૨ બોલમાં ૩૦ રન કરીને પેવિલિયન ભેગો થયો હતો. શિખર ટીમ માટે ૩૬ બોલમાં બાવન રનની ઈનિંગ રમ્યો હતો. જેમા તેણે ચાર ચોગ્ગા અને બે સિકસર ફટકારી હતી. વનડાઉન આવેલા વિરાટ કોહલીએ પણ કમાલ કરી હતી. પોતાની ધૂંઆધાર બેટિંગ દ્વારા કેપ્ટન કોહલીએ ૨૪ બોલમાં બે ચોગ્ગા અને બે સિકસર ફટકારી ૪૦ રન બનાવ્યા હતા. સંજુ સેમસન ૧૫ કરીને સ્ટીવ સ્મિથના હાથે મિશેલ સ્વિપસનની બોલીંગમાં કેચઆઉટ થયો હતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા પાવરફુલ પર્ફોર્મન્સ કરીને ૨૨ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિકસર ફટકારી નાબાદ ૪૦ રન બનાવ્યા હતા. આ બન્ને સિકસર તેણે છેલ્લી ઓવરમાં ફટકારી હતી. જેમાની એક મેચ વિનિંગ રહી હતી. મેચની છેલ્લી ક્ષણોમાં પંડયાએ બેટ બદલતા પાવરફુલ શોટસ ફટકારવામાં તેને મદદ મળી રહી હતી. શ્રેયસ ઐયરે પાંચ બોલમાં નાબાદ ૧૨ રન બનાવ્યા હતા. એડમ ઝમ્પા, મિશેલ સ્વિપસન, એન્ડ્રુ અને ડેનિયલ સેમ્સને એક એક વિકેટ મળી હતી. હાર્દિક પંડયાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

(2:48 pm IST)