Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

મેઘાલયના 15 વર્ષીય નિર્દેશ બેસોયાએ કરી કુંબલેવાળી:ઈનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી

પહેલી વિકેટ ઈનિંગની 10મી ઓવરમાં લીધી અને ઈનિંગની 42મીઓવરમાં 10મી વિકેટ લીધી

મુંબઈ : વિજય મર્ચન્ટ ટ્રોફીની અન્ડર 16 ટુર્નામેન્ટમાં 15 વર્ષના એક બોલરે અનિલ કુંબલેવાળી કરી છે.મેઘાલયના કિશોર નિર્દેશ બેસોયાએ એક જ ઈનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી છે 

    નિર્દેશે અસમ વેલી સ્કૂલ ગ્રાઉન્ડમાં નાગાલેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ સર્જયો હતો. ઓફ સ્પિનર નિર્દેશ સામે નાગાલેન્ડના બે્ટસમેનો ટકી શક્યા નહોતા.આ બોલરે 21 ઓવરમાં 51 રન આપીને તમામ 10 વિકેટો ખેરવી હતી. જેમાં 10 મેડન ઓવરનો પણ સમાવેશ થતો હતો.

તેણે પહેલી વિકેટ ઈનિંગની 10મી ઓવર નાખતી વખતે લીધી હતી અને ઈનિંગની 42મી ઓવરમાં 10મી વિકેટ લીધી ત્યારે નાગાલેન્ડની ટીમ 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

    નિર્દેશે કહ્યુ હતુ કે, મને હજી વિશ્વાસ નથી થતો કે મેં 10 વિકેટ લીધી છે.જ્યારે મારો જન્મ નહોતો થયો ત્યારે કુંબલેએ 10 વિકેટ લીધી હતી.મેં તેમના વિશે બહુ સાંભળ્ય છે.હું હંમેશા આવુ જ કંઈક કરવા માંગતો હતો પણ આ દિવસ આટલો જલ્દી આવશે તેવુ વિચાર્યુ નહોતુ.

     નિર્દશ ટુર્નામેન્ટની ચાર મેચોમાં અત્યાર સુધીમાં 27 વિકેટ ખરેવી ચુક્યો છે.ગઈ સિઝનમાં તેણે 6 મેચમાં 33 વિકેટો લીધી હતી.ગયા વર્ષે મણિપુરના ઝડપી બોલર રેક્સ સિંહે પણ એક જ ઈનિંગમાં 10 વિકેટો ઝડપવાનુ પરાક્રમ કર્યુ હતુ.

(8:36 pm IST)