Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની રિલે ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જ બહાર

નવી દિલ્હી : દોહામાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની ૪ બાય ૪૦૦ મીટરની પુરુષ અને મહિલા રિલે ટીમો તેમજ જેવલીન થ્રોઅર શિવપાલ તેમજ મેરેથોન રનર ગોપી થોનાકલનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. રિલે ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ હતી. શિવપાલ ફાઈનલમાં પ્રવેશી શક્યો નહતો. જ્યારે ગોપી મેરેથોનમાં ૨૧માં ક્રમે રહ્યો હતો. આ સાથે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો.

જિસ્ના મેથ્યુ, એમ.આર.પૂવામ્મા, વી.કે. વિસ્મયા અને વિ. શુભાની ટીમે ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં ૩ મિનિટ અને ૨૯.૪૨ સેકન્ડનો સમય આપ્યો હતો, પણ તેઓ ૧૧માં ક્રમે રહ્યા હતા અને ફાઈનલમાં પ્રવેશી શક્યા નહતા. અમોજ જેકોબ, મુહમ્મદ અનસ, કે.એસ. જીવન અને નોહ નિર્મલ ટોમની ટીમે મેન્સ ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં ૩ મિનિટ અને ૩.૦૯ સેકન્ડનો સમય આપ્યો હતો અને તેઓ ક્વોલિફાઈંગના અંતે ૧૨માં સ્થાને રહ્યા હતા.

એશિયાડના સિલ્વર મેડાલીસ્ટ જેવલીન થ્રોઅર શિવપાલે ક્વોલિફાઈંગમાં ૭૮.૯૭ મીટરનો થ્રો કર્યો હતો. જોકે તે ક્વોલિફાઈંગમાં ૨૪ ખેલાડીઓમાં ૨૪માં ક્રમે રહેવા છતાં ફાઈનલમાં પ્રવેશી શક્યો નહતો. જ્યારે ભારતનો એશિયન ચેમ્પિયન એથ્લીટ ગોપી થોનાકલ મેરેથોનમાં બે કલાક અને ૧૫ મિનિટ તેમજ ૫૭ સેકન્ડના સમય સાથે ૨૧માં ક્રમે રહ્યો હતો. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની અનુ રાની જેવલીનમાં, અવિનાશ સાબ્લે ૩૦૦૦ મીટર સ્ટિપલ ચેઝમાં અને ૪ બાય ૪૦૦ મીટરની મિક્સ રિલે ટીમે ફાઈનલ સુધીની સફર ખેડી હતી. જોકે કોઈ પણ મેડલ જીતવામાં સફળ રહ્યા નહતા.

(11:53 am IST)