Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કાવાદાવાથી કંટાળીને નયન મોંગિયાએ રાજીનામું આપ્યું

નયન મોંગિયાના રાજીનામાને પગલે ભારે ચર્ચા : પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા બીસીએના જુનિયર વિભાગના મેન્ટર તરીકે છેલ્લા ત્રણ મહિનાથી જોડાયા હતા : હેવાલ

અમદાવાદ, તા.૭ : વડોદરામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટ કીપર નયન મોંગિયાએ બરોડા ક્રિકેટ એસોસિયેશનના સત્તાધીશોના વહીવટથી કંટાળીને ક્રિકેટર નયન મોંગિયાએ બીસીએના જુનિયર વિભાગના મેન્ટર પદેથી રાજીનામું આપી દેતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને મોંગિયાના રાજીનામાને લઇને હવે ક્રિકેટજગતમાં પણ જોરદાર ચર્ચા શરૂ થઇ છે. ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના સફળ વિકેટકિપર અને બેટ્સમેટન તરીકે પણ મહત્વપૂર્ણ યોગદાન આપનાર ક્રિકેટર નયન મોંગિયા બીસીએના જુનિયર વિભાગના મેન્ટર તરીકે છેલ્લા ત્રણ મહિનાથી જોડાયા હતા. જો કે, બીસીએના વહીવટ અને કાવાદાવાથી કંટાળીને નયન મોંગિયાએ બીસીએના સેક્રેટરીને ઇ-મેલ દ્વારા રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામું સ્વીકારવું કે નહીં તે અંગેનો નિર્ણય બીસીએની મેનેજિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. નયન મોંગિયાએ આપેલા ચાર પાનાંના રાજીનામાના પત્રમાં ૬૪ જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેને લઇને પણ ભારે ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, આ સમગ્ર મામલે બીસીઅ.ના બંને સેક્રેટરી સ્નેહલ પરીખ અને અમર પેટીવાલા નિવેદન આપવાથી કે કોઇ સ્પષ્ટ ફોડ પાડવામાંથી બચીરહ્યા છે, તે ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, બીસીએમાં મોટાપાયે ગરબડ ચાલી રહી હોવાનો મોંગિયાનો ઇશારો સાચો સાબિત થઇ રહ્યો છે. દરમ્યાન સ્નેહલ પરીખે જણાવ્યું હતું કે, અમે બંને સેક્રેટરીએ જવાબદારી વહેંચી લીધી છે. જેમાં મારી પાસે સિનિયરટીમની જવાબદારી છે. જ્યારે અમર પેટીવાલા પાસે જુનિયર ટીમની જવાબદારી છે. જ્યારે અમર પેટીવાલા આ મામલે કોઇ નિવેદન માટે સામે આવ્યા ન હતા.

(10:03 pm IST)