Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

એશિયન ગેમ્સનો આ બ્રોન્ઝ મેડલ વિજેતા વેચી રહ્યો છે ચા

નવી દિલ્હી: ભારતે તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલી 18મી એશિયન ગેમ્સમાં 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ મેડલ જીતી પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. એક તરફ દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓને સંબંધિત રાજ્ય સરકાર ઇનામ આપી ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહી છે ત્યારે કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમને ગુમનામીની જિંદગી જીવવા મજબૂર બનવું પડયું છે. આવો જ એક ખેલાડી છે હરીશકુમાર જે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ઇન્ડોનેશિયાથી પરત આવ્યા બાદ ચા વેચવા મજબૂર બન્યો છે.હરીશ જ્યારે જાકાર્તાથી પરત ફર્યો ત્યારે તેનું શાનદાર સ્વાગત થયું હતું પરંતુ થોડા સમય બાદ તેને ચા વેચવા મજબૂર બનવું પડયું છે. હરીશના મતે તેના પિતાની ચાની દુકાન છે અને આ જ એક માત્ર આવકનું સાધન છે. હરીશે કહ્યું કે, તેની બે બહેનો છે અને બંને જોઈ શકતી નથી જેથી આવતાંની સાથે જ પોતાના પિતાને મદદ કરવી જરૂરી હતી. જેથી અમારા પરિવારનું યોગ્ય રીતે ભરણપોષણ થઈ શકે.  હરીશ દરરોજ સવારે ચાની દુકાને જાય છે જ્યારે બપોરે ૨.૦૦થી સાંજે ૬.૦૦  કલાક સુધી સેપકટકરાની પ્રેક્ટિસ કરે છે. સવારે હરીશ જ્યારે ચાની દુકાને હોય ત્યારે તેના પિતા ઘણી વખત ઓટો રિક્ષા ચલાવે છે.

(5:18 pm IST)