Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ભારતે ચોથી T20 મેચમાં 59 રને જીત મેળવીને સિરિઝ પર કબ્જો મેળવી લીધો

અગાઉ ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 191 રન કર્યા હતા જેના જવાબમાં વેસ્ટ ઈન્ડીઝ 19.1 ઓવરમાં 132 રનમાં બનાવી શકયું હતું: આ જીત સાથે જ ભારત 5 T20 મેચની સિરિઝમાં 3-1થી આગળ છે

મુંબઇ : ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ચોથી T20 મેચ ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ એન્ડ બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. ભારતે ચોથી T20 મેચમાં 59 રને જીત મેળવીને સિરિઝ પર કબ્જો મેળવી લીધો હતો. અગાઉ વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 191 રન કર્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડીઝ 19.1 ઓવરમાં 132 રનમાં ખખડી ગયુ હતુ. આ જીત સાથે જ ભારત 5 T20 મેચની સિરિઝમાં 3-1થી આગળ છે. હવે સિરિઝની છેલ્લી મેચ રવિવારે રમાશે. આવેશ ખાનને તેની શાનદાર બોલિંગ પ્રદર્શન (4-0-17-2) બદલ પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

ભારત તરફથી સૌથી વધુ રન રિષભ પંતે 31 બોલમાં 44 રન કર્યા હતા. રોહિત શર્માએ 16 બોલમાં જ 33 રન ફટકાર્યા હતા. તેની આ ધમાકેદાર ઇનિંગમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. અંતમાં અક્ષર પટેલે માત્ર 8 બોલમાં 20 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગા આવ્યા હતા. વેસ્ટ ઈન્ડીઝ તરફથી સૌથી વધુ ઓબેડ મેકોય અને અલ્ઝારી જોસેફે 2-2 વિકેટ લીધી હતી. અકીલ હોસેનને 1 વિકેટ મળી હતી. ઓબેડ મેકોયે 4 ઓવરમાં 66 રન દીધા હતા. તેની બોલિંગ ઇકોનોમી 16.5ની રહી હતી.

ભારતે આપેલા 192 રનના ટાર્ગેટનો પીછો કરવા વેસ્ટ ઈન્ડીઝની ટીમ 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ અર્શદિપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. તો આવેશ ખાન, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ રન કેપ્ટન નિકોલસ પૂરને 8 બોલમાં 24 રન માર્યા હતા. તેની આ ઇનિંગમાં 1 ચોગ્ગો અને 3 છગ્ગા આવ્યા હતા. તો રોવમેન પોવેલે પણ 16 બોલમાં 24 રન કર્યા હતા.

(12:14 pm IST)