Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ગૉલ્ડ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશેઃ બીજી તરફ મેગ લેનિંગની ટીમ પણ શાનદાર ફોર્મમાં : ભારતીય સમયાનુસાર ગોલ્ડ મેડલ મેચ રાત્રે 9.30 કલાકે શરૂ થશે

હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમે જ્યાં પ્રથમ સેમીફાઇનલમાં યજમાન ઈંગ્લેન્ડને રોમાંચક મુકાબલામાં 4 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, તો ઓસ્ટ્રેલિયાએ બીજી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું.

બર્મિંઘમઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) નો ફાઇનલ મુકાબલો આજે બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાશે. બંને ટીમોની નજર ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ઈતિહાસ રચવા પર હશે. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમે જ્યાં પ્રથમ સેમીફાઇનલમાં યજમાન ઈંગ્લેન્ડને રોમાંચક મુકાબલામાં 4 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, તો ઓસ્ટ્રેલિયાએ બીજી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. ભારતીય સમયાનુસાર ગોલ્ડ મેડલ મેચ રાત્રે 9.30 કલાકે શરૂ થશે. આવો આ મુકાબલા પહેલા બંને ટીમના હેડ ટૂ હેડ રેકોર્ડ્સ પર એક નજર કરીએ.

ભારત માટે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું સરળ રહેશે નહીં. બંને ટીમોના ટી20 રેકોર્ડ્સની વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 24 મુકાબલા રમાયા છે, જેમાંથી છ વખત ટીમ ઈન્ડિયાને જીત મળી છે. તો કાંગારૂ ટીમે 17 વખત વિજય મેળવ્યો છે. ભારતનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ Win/Loss 0.352 નો છે, જે ખુબ નિરાશ કરનારો છે.

કોમનવેલ્થ ગેમ્સ-2022નો પ્રારંભ ભારત અને ઓસ્ટ્રેલિયાના મુકાબલાથી થયો હતો. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ હારેલી બાજી પલટી ભારતને 33 વિકેટે પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા હરમનપ્રીતની અડધી સદીની મદદથી 154 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરતા કાંગારૂ ટીમે 49 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ એશલે ગાર્ડનરે 52 રનની અણનમ ઈનિંગ રમી ભારત પાસેથી જીત છીનવી લીધી હતી.

ટૂર્નામેન્ટની શરૂઆત તો ભારત પર ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત સાથે થઈ હતી, પરંતુ કહેવાય છે કે અંત ભલો તો બધુ સારૂ. તો શું ભારત ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને હરાવી આ બદલો પૂરો કરી શકે છે.

(12:09 pm IST)