Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

અંડર-૨૦ કોટિફ કપમાં ભારતીય ફૂટબોલ ટીમનો 2-1થી વિજય

નવી દિલ્હી: વર્લ્ડ ફૂટબોલમાં પાવરહાઉસ એવી આર્જેન્ટિનાની સામે અંડર-૨૦ કોટિફ કપમાં ભારતે ૨-૧થી વિજય મેળવ્યો છે. દીપક તાંગરીએ ચોથી અને અનવર અલીએ ૬૮મી મિનિટમાં ગોલ ફટકારીને ભારતના વિજયમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. આર્જેન્ટિનાની ટીમ અંડર-૨૦ વર્લ્ડકપમાં છ વખત ચેમ્પિયન બની ચૂકી છે અને ૨૦૦૬ના ફિફા વર્લ્ડકપમાં રમી ચૂકેલા લિયોનેલ સ્કાલોની, પૂર્વ મિડફિલ્ડ સ્ટાર પાબ્લો ઐમાર હાલ તેના કોચ છે. સ્પેન ખાતે યોજાતી આ ટુર્નામેન્ટમાં ભારતનો અગાઉ મ્યુરિકા સામે ૨-૦થી, મૌરિશાના સામે ૩-૦થી પરાજય થયો હતો. મેચની ૫૪મી મિનિટમાં ફોરવર્ડ અનિકેત જાધવને રેડ કાર્ડ આપવામાં આવતા ભારતને ૧૦ પ્લેયર સાથે રમવું પડયું હતું. જોકે, અગાઉની ત્રણેય મેચમાં વિજય મેળવીને આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં પહેલા જ સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. જેના કારણે આર્જેન્ટિનાએ ભારત સામેની મેચ માટે તેમના સ્ટાર પ્લેયર્સ એલ્વેરો બેરરિયલ, એડોલ્ફો ગૈચને આરામ આપ્યો હતો. વેનેઝુએલા સામેની મેચમાં આ બંને પ્લેયર્સે આર્જેન્ટિના માટે ૨-૨ ગોલ ફટકાર્યા હતા. આર્જેન્ટિના સામે વિજય બાદ ભારતીય ટીમના કોચ ફ્લોઇડ પિન્ટોએ જણાવ્યું હતું કે, 'અમારી ટીમે જે કમાલનો દેખાવ કર્યો તેના પર ગર્વ છે. આ પ્રકારની ટુર્નામેન્ટનો હેતુ ટ્રોફી જીતવા કરતા યુવા પ્લેયર્સને આંતરરરાષ્ટ્રીય ફૂટબોલ માટે તૈયાર કરવાનો વધારે હોય છે. આર્જેન્ટિના સામે અમારી ટીમ ક્યારેય દબાણમાં આવી નહોતી. આ વિજયથી પ્લેયર્સમાં નવો જુસ્સો આવ્યો છે.

(4:52 pm IST)