Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

આઈપીએલમાં ધોનીએ હજુ સુધી ૩૨ સ્ટમ્પ આઉટ કર્યા

રોબિન ઉથપ્પા સાથે સંયુક્ત રેકોર્ડ ઉપર છે : ધોનીના વર્તમાન આક્રમક રુપથી ક્રિકેટ ચાહકો રોમાંચિત

પુણે,તા. ૭ : દુનિયાના સૌથી ચુસ્ત અને સ્ફુર્તિલા વિકેટકીપરમાં સામેલ મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારના દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે રમાયેલી મેચમાં મુરુગન અશ્વિનને સ્ટમ્પ આઉટ કરીને ઇન્ડિયન પ્રિમિયર લીગમાં સૌથી વધારે સ્ટમ્પ કરવાનો એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો. હવે આ રેકોર્ડ સંયુક્તરીતે તેના અને રોબીન ઉથ્થપાના નામ ઉપર છે. બંનેએ આઈપીએલમાં હજુ સુધી ૩૨-૩૨ બેટ્સમેનોને સ્ટમ્પ આઉટ કર્યા છે. રોબિન ઉથ્થપા આ સિઝનમાં વિકેટકીપર તરીકે રહ્યો નથી જેથી ધોની તેના રેકોર્ડને તોડીને આગળ નિકળી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલમાં જ ધોનીની પ્રશંસા કરતા માઇક હસ્સીએ કહ્યું હતું કે, સ્ટમ્પિંગના મામલામાં મહેન્દ્રસિંહ ધોનીનો કોઇપણ સામનો કરી શકે નહીં. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે આઈપીએલ-૧૧ની મેચમાં ચેન્નાઈની છ વિકેટે જીત બાદ હસ્સીએ કહ્યું હતું કે, સ્પીનરોની સામે વિકેટકીપિંગ કરવાના મામલામાં ધોનીનો કોઇ જવાબ નથી. સ્ટમ્પિંગ કરવાના મામલામાં ધોની દુનિયાનો સર્વશ્રેષ્ટ વિકેટકીપર છે. હસ્સીએ કહ્યું હતું કે, ધોની ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડી તરીકે છે. તે શાનદાર બેટિંગ પણ કરી રહ્યો છે. છેલ્લા થોડાક વર્ષોમાં તે પણ ધોનીને આ પ્રકારના શાનદાર ફોર્મમાં જોયો નથી. તમામ લોકો જાણી ગયા છે કે, વર્તમાન આઈપીએલમાં ધોની એક અલગ અવતારમાં નજરે પડી રહ્યો છે. ધોની હાલના સમયમાં એ પ્રકારની બેટિંગ કરી રહ્યો છે જે બેટિંગ માટે તેને ઓળખવામાં આવે છે. સૌથી વધારે રન બનાવવાના મામલામાં તે ટોપ પાંચ બેટ્સમેનોમાં છે. હજુ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સને ૧૦ મેચોમાં તે ૩૬૦ રન બનાવી ચુક્યો છે. આઈપીએલમાં સૌથી વધુ રન વર્તમાન સિઝનમાં બનાવવાનો રેકોર્ડ અંબાતી રાયડુના નામ ઉપર છે. રાયડુએ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ૪૨૩ રન બનાવ્યા છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સના એસ યાદવે ૩૯૯, દિલ્હી ડેરડેવિલ્સના ઋષભ પંતે ૩૯૩, કેએલ રાહુલે ૩૭૬ અને મહેન્દ્રસિંહ ધોનીએ ૩૬૦ રન કર્યા છે. આ બેટ્સમેનો વચ્ચે ઓરેન્જ કેપ માટે તીવ્ર સ્પર્ધા રહેલી છે. બીજી બાજુ પર્પલ કેપ માટે જે બોલરો વચ્ચે સ્પર્ધા રહેલી છે તેમાં હાર્દિક પંડ્યા સૌથી આગળ છે. હાર્દિક પંડ્યાએ હજુ સુધી ૧૪ વિકેટો ઝડપી છે. જ્યારે માર્કંડે, ઉમેશ યાદવ, ટ્રેન્ટ બોલ્ટે ૧૩-૧૩ વિકેટે ઝડપી છે. રહેમાને ૧૨ વિકેટ પોતાના ખાતામાં કરી છે.

સૌથી વધુ રન-વિકેટ....

પુણે, તા. ૭ : આઈપીએલમાં સૌથી વધારે રન અને સૌથી વધારે વિકેટ કોણ લેશે તેને લઇને પણ ચર્ચા છેડાયેલી છે. હજુ સુધી રાયડુ બેટિંગમાં સૌથી આગળ છે પરંતુ હજુ પણ તેની આસપાસ રહેલા બેટ્સમેનોને તક રહેલી છે. જેમાં ધોનીનો સમાવેશ થાય છે.

સૌથી વધુ રન

અંબાતી રાયડુ (ચેન્નાઈ).................................... ૪૨૩

એસ યાદવ (મુંબઈ)......................................... ૩૯૯

ઋષભ પંત (દિલ્હી).......................................... ૩૯૩

રાહુલ (પંજાબ)................................................ ૩૭૬

ધોની (ચેન્નાઈ)................................................ ૩૬૦

સૌથી વધુ વિકેટ

હાર્દિક પંડ્યા (મુંબઈ).......................................... ૧૪

માર્કંડે (મુંબઈ)................................................... ૧૩

ઉમેશ યાદવ (બેંગ્લોર)....................................... ૧૩

બોલ્ટ (દિલ્હી).................................................... ૧૩

(7:13 pm IST)