Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

IPLમાં મોંઘા વેચાયેલા સ્ટોકસ અને જયદેવ ફલોપ, ૨૦ લાખનો મયંક માર્કન્ડે વિકેટ લેવામાં બીજા ક્રમાંકે

આઈપીએલની અગિયારમી સીઝનની ૩૮ મેચો થઈ ગઈ છે. અત્યાર સુધીની મેચમાં જે વાત બહાર આવી છે એમાં આ ટુર્નામેન્ટમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડીઓનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી રહ્યુ. આ યાદીમાં બેન સ્ટોકસ, જયદેવ ઉનડકટ, મનીષ પાંડે અને ગ્લેન મેકસવેલનું નામ સામેલ છે. આ તમામ ૯ કરોડથી ૧૨.૫ કરોડ રૂપિયામાં ખરીદાયા હતા. બીજી તરફ માત્ર ૨૦ લાખનો ખેલાડી મુંબઈનો મયંક માર્કન્ડે સારૂ રમી રહ્યો છે. ટ્રેન્ટ બોલ્ટ બાદ મયંક ટુર્નામેન્ટમાંથી સૌથી વધુ વિકેટ લેનાર બીજો ખેલાડી છે.

બેન સ્ટોકસ : આ સીઝનમાં તે બેટ કે બોલથી સારૂ પ્રદર્શન નથી કરી શકયો. સ્ટોકસે ૮ મેચની ૮ કુલ ૧૪૮ રન બનાવ્યા છે. બોલીંગમાં તો તેની હાલત વધુ ખરાબ છે. તેણે ૮ મેચમાં ૨૦ ઓવર બોલીંગ કરી છે. દરમિયાન ૧૦૬ રન આપીને માત્ર એક જ ખેલાડીને પેવેલિયન ભેગો કરી શકયો છે. રાજસ્થાને આ ખેલાડીને ૧૨.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

જયદેવ ઉનડકટ : અત્યાર સુધી તેના પ્રદર્શનને જોતા એવુ જ લાગે છે કે તેના પર ખર્ચવામાં આવેલી રકમ વેડફાઈ ગઈ છે. ૮ મેચમાં ૨૭૦ રન આપીને ૭ વિકેટ લીધી છે. ગઈ સીઝનમાં તેણે ૧૨ મેચમાં ૨૪ વિકેટ લીધી હતી. રાજસ્થાને આ ખેલાડીને ૧૧.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

મનીષ પાંડે : તેણે ૯ મેચની ૮ ઈનિંગ્સમાં ૨૫.૫૭ની એવરેજથી માત્ર ૧૭૯ રન બનાવ્યા છે. બે ઈનિંગ્સ (૫૭ અને ૫૪)ને બાદ કરતા ૧૬, ૧૬, ૦, ૪ અને ૧૧ રન જ બનાવ્યા હતા. હૈદ્રાબાદે આ ખેલાડીને ૧૧ કરોડમાં ખરીદ્યો હતો.

ગ્લેન મેકસવેલ : દિલ્હીએ તેને એક ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પસંદ કર્યો હતો, પરંતુ તે અત્યાર સુધી બોલ અને બેટ વડે મેચવિનિંગ પ્રદર્શન નથી કરી શકયો. ૯ મેચની ૯ ઈનિંગ્સમાં તેણે ૧૪.૭૭ની એવરેજથી ૧૩૩ રન બનાવ્યા છે અને માત્ર પાંચ વિકેટ જ લીધી છે. દિલ્હીએ આ ખેલાડીને ૯ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

(4:11 pm IST)