Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

૧૩ વખતની ચેમ્પિયન રિયલ મેડ્રિડને ચેમ્પિયન્સ લીગમાં એજેક્સે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને બહાર કરી

નવી દિલ્હી: ચેમ્પિયન્સ લીગમાં ૧૩ વખતની ચેમ્પિયન રિયલ મેડ્રિડને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં એજેક્સે પરાજય આપી બહાર કરી દીધી હતી. એજેક્સનો ફર્સ્ટ લેગમાં ૧-૨થી પરાજય થયો હતો પરંતુ સેકન્ડ લેગમાં રિયલ મેડ્રિડને તેના ઘરઆંગણે ૪-૧થી પરાજય આપ્યો હતો. આમ, એજેક્સે કુલ ૫-૩થી વિજય મેળવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં ચાર વખત ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ જીતનાર રિયલ મેડ્રિડની ટીમ વર્ષ ૨૦૧૦ બાદ પ્રથમ વાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. આ પહેલાં લિયોન ટીમે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં હરાવી બહાર કરી હતી. ફર્સ્ટ લેગમાં ૧-૨થી પરાજય મેળવનાર એજેક્સની ટીમે સેકન્ડ લેગમાં રિયલ મેડ્રિડને શરૂઆતથી જ બેકફૂટ પર ધકેલી દીધી હતી. મેચની સાતમી મિનિટે હાકિમ ઝેયિચે ગોલ કરી એજેક્સને ૧-૦ની લીડ અપાવી હતી જ્યારે ૧૮મી મિનિટે ડેવિડ નારેસે ગોલ કરી લીડ ડબલ કરી દીધી હતી. સેકન્ડ હાફમાં ૬૨મી મિનિટે ટેડિકે ગોલ કરતાં એજેક્સની લીડ ૩-૦ થઈ હતી.રિયલ મેડ્રિડ તરફથી ૭૦મી મિનિટે માર્કો એસેન્સિયોએ ગોલ કરી લીડ ઘટાડી હતી પરંતુ તેની બે મિનિટ બાદ લાસે શોનેએ ગોલ કરી એજેક્સને ૪-૧ની સરસાઈ અપાવી હતી. રિયલ મેડ્રિડ ત્યારબાદ ગોલ કરવામાં નિષ્ફળ રહેતાં એજેક્સે મેચ જીતી લીધી હતી. મેચ બાદ ટીમના મિડફિલ્ડર લુકા મોડ્રિચે કહ્યું કે, અમને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કમી વર્તાઈ હતી. રોનાલ્ડો ગત વર્ષે રિયલ મેડ્રિડ છોડી ઇટાલિયન ક્લબ જુવેન્ટ્સ સાથે જોડાયો હતો. રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ તરફથી ૨૦૦૯થી ૨૦૧૮ દરમિયાન ૨૯૨ મેચમાં ૩૧૧ ગોલ કર્યા હતા. તેના ટીમમાં રહેતાં ૨૦૧૩, ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮માં ચેમ્પિયન્સ લીગમાં વિજેતા બની હતી.

(5:03 pm IST)