Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ભારતીય મેન્સ હોકી ટીમ ઓસ્ટ્રેલિયા સામે 2-4થી હારી

નવી દિલ્હી:સુલતાન અઝલાન શાહ કપ હોકીમાં ભારતીય મેન્સ ટીમને ઓસ્ટ્રેલિયા સામેના મુકાબલામાં ૨-૪થી હારનો સામનો કરવો પડયો હતો. આ સાથે ભારતની ફાઈનલમાં પ્રવેશવાની આશા સમાપ્ત થઈ ચૂકી છે. ભારત અત્યાર સુધી ત્રણ મેચ રમ્યું છે, જેમાંથી એક પણ જીતી શક્યું નથી. સરદાર સિંઘની આગેવાની હેઠળની ભારતની યુવા હોકી ટીમને પ્રથમ મેચમાં ૨-૩થી આર્જેન્ટીના સામે હારનો સામનો કરવો પડયો હતો, જે પછી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયા સામેના મુકાબલામાં ભારત તરફથી રમનદીપ સિંઘે બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેયિલા તરફથી માર્ક નોલેસે પ્રથમ ગોલ ફટકાર્યો હતો. આ પછી એરાન ઝલેવસ્કી, ડેનિયલ બેએલ અને બ્લેક ગોવેર્સે ગોલ ફટકારીને ટીમને ૪-૦થી સરસાઈ અપાવી હતી. રમનદીપે આખરી મિનિટોમાં ઉપરાઉપરી બે ગોલ ફટકારીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. ભારતના યુવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના આયોજીત આક્રમણની સામે ટકી શક્યા નહતા. ડિફેન્ડરો અને ગોલકિપર સુરજ કારકેરાએ અસરકારક દેખાવ કર્યો હતો, પણ નિર્ણાયક પળોમાં કરેલી ભૂલોને પગલે ટીમને હારનો સામનો કરવો પડયો હતો. ભારતને હવે આવતીકાલે યજમાન મલેશિયા સામે રમવાનું છે. ભારત અને મલેશિયા વચ્ચેનો મુકાબલો આવતીકાલે સાંજે છ વાગ્યાથી શરૃ થશે.

(5:15 pm IST)