Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સાવધ રહે

ભારતીય ટીમના ફાસ્ટ બોલરોથી ખુશ થયેલા ગ્લેન મેકગ્રાએ કહ્યું...

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા સાઉથ આફ્રિકા ટેસ્ટ - સિરીઝમાં ભારતીય ફાસ્ટ બોલરોના પ્રદર્શનથી ઘણો પ્રભાવિત છે. તેણે એવી આશા વ્યકત કરી છે કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસમાં ભારતીય બોલરો આ લયને જાળવી રાખશે. બોલરોએ સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સારૂ પ્રદર્શન કર્યુ હતંુ. સાઉથ આફ્રિકા આ સીરીઝ ૨-૧થી જીત્યુ હતું.

એમઆરએફ ફાઉન્ડેશનના ડિરેકટર મેકગ્રાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ હતું કે જો તમે નિયમીત રીતે ૨૦ વિકેટ ન લઈ શકો તો તમે ટેસ્ટ મેચ ન જીતી શકો. હમણા ભારતીય બોલીંગ પ્રભાવશાળી દેખાઈ રહી છે. ખાસ કરીને ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને જશપ્રીત બુમરાહ તથા સ્પિનરો પણ. ત્રણ ફાસ્ટ બોલરો ઉપરાંત હાર્દિક પંડ્યા પણ સારૂ કરી રહ્યો છે. ભારત આ વર્ષે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યુ છે. આવી પરિસ્થિતિમાં ભારતના બોલીંગ - આક્રમણને નબળુ ગણવુ હરીફોને ભારે પડી શકે છે.

મેકગ્રાએ અન્ડર-૧૯ ટીમના સ્ટાર કમલેશ નાગરકોટીની પણ પ્રશંસા કરી છે, જેણે ન્યુઝીલેન્ડમાં રમાયેલા વર્લ્ડકપમાં તમામનું ધ્યન પોતાની તરફ ખેંચ્યુ હતું. મેકગ્રાએ કહ્યુ હતંુ કે તેની પાસે ઝડપ છે. હું વર્લ્ડકપમાં તેના પ્રદર્શનથી પ્રભાવિત હતો. તેને કલકતાની ટીમે પસંદ કર્યો જે તેના માટે એક બોનસ છે. તેનું ભવિષ્ય ઉજ્જવળ છે.

(11:32 am IST)