Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

વિદર્ભ ચેમ્પિયન : સૌરાષ્ટ્રનું સપનું રગદોળાયુ

રણજી ટ્રોફીના ફાઈનલ મુકાબલામાં ૨૦૬ના ટાર્ગેટ સામે સૌરાષ્ટ્ર ૧૨૭ રનમાં સમેટાયુઃ ચેતેશ્વર બંને ઈનિંગમાં નિષ્ફળ : વિશ્વરાજ જાડેજાની ફીફટી : ૧૧ વિકેટ લેનાર આદિત્ય મેન ઓફ ધ મેચ

રાજકોટ, તા. ૭ : રણજી ટ્રોફી ચેમ્પિયન બનવાનું સૌરાષ્ટ્રનું સપનુ ફરી એક વખત રગદોળાયુ છે. સૌરાષ્ટ્રનો ૭૮ રને પરાજય થયો છે. વિદર્ભ સતત બીજી વખત ચેમ્પિયન બન્યુ છે. ચેતેશ્વર પૂજારા બંને ઈનિંગમાં ફેઈલ ગયો હતો.

વિદર્ભના આદિત્ય સરવાટેની અને અક્ષય વાખરેની ઘાતક બોલિંગના સહારે વિદર્ભે સૌરાષ્ટ્રને બીજી ઈનિંગમાં માત્ર ૧૨૭ રન પર ઓલઆઉટ કરી નાંખ્યુ હતુ.આદિત્યે ૬ ને અક્ષયે ૩ વિકેટ ઝડપી હતી.

પહેલી ઈનિંગમાં વિદર્ભના ૩૧૨ રનના જવાબમાં સૌરાષ્ટ્રે ૨૦૭ રન બનાવ્યા હતા.વિદર્ભની બીજી ઈનિંગ ૨૦૦ રનમાં સમેટાઈ ગઈ હતી.સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૬ વિકેટ ઝડપી હતી.

જોકે ૨૦૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે પહેલી ત્રણ મહત્વની વિકેટો ૨૨ રનના સ્કોર પર ગુમાવી દીધી હતી.જેમાં હાર્વિક દેસાઈ, સ્નેલ પટેલ અને ભારતના આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો સમાવેશ થતો હતો.

આજે પાંચમા દિવસે સૌરાષ્ટ્રના બેટ્સમેનો ઝાઝુ ટકી શકયા નહોતા અને ૧૨૭ રન પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.પહેલી અને બીજી ઈનિંગમાં ૧૧ વિકેટ લેનાર આદિત્ય સરવાટેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. એકમાત્ર વિશ્વરાજ જાડેજાએ ૫૨ રન કર્યા હતા. અડધી ટીમ આજે ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રેરક માંકડ ૨, ધર્મેન્દ્ર જાડેજા ૧૭, જયદેવ ઉનડકટ ૭ રન બનાવી આઉટ થયા હતા.

વિદર્ભના આદિત્ય સરવાટેએ ૬, અક્ષય વખારે ૩ અને ઉમેશ યાદવે ૧ વિકેટ લીધી હતી.(૩૭.૧૯)

(3:24 pm IST)