Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

દક્ષિણ આફ્રિકાએ નવ વિકેટથી પાકિસ્તાનને આપી માત

નવી દિલ્હી: એલ્ગરના અણનમ ૨૪ની મદદથી સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને બીજી ટેસ્ટમાં ચોથા દિવસે સવારે જ નવ વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો. જીતવા માટેના ૪૧ રનના ટાર્ગેટને યજમાન સાઉથ આફ્રિકાએ માત્ર ૯.૫ ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને પાર પાડયું હતુ. આ સાથે જ સાઉથ આફ્રિકાએ ત્રણ ટેસ્ટની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. હવે શ્રેણીની ત્રીજી, આખરી અને ઔપચારિક ટેસ્ટ મેચ તારીખ ૧૧મી જાન્યુઆરીને શુક્રવારથી જોહનીસબર્ગમાં શરૃ થશે. અગાઉ બંને દેશો વચ્ચે સેન્ચુરિયનમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું હતુ.સાઉથ આફ્રિકાનો કેપ્ટન ડુ પ્લેસીસ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જોકે સ્લો ઓવર રેટ બદલ તેના પર એક ટેસ્ટનો પ્રતિબંધ મૂકાયો છે. તે પાકિસ્તાન સામેની શ્રેણીની આખરી ટેસ્ટ નહિ રમે. ડુ પ્લેસીસે છેલ્લા 12 મહિનામાં આ બીજી વખત ઓવર રેટના નિયમનો ભંગ કર્યો હતો અને આ કારણે તેના પર એક ટેસ્ટનો પ્રતિબંધ મૂકાયો છે. જોકે સાઉથ આફ્રિકા શ્રેણી જીતી ચૂક્યું હોવાથી આ પ્રતિબંધથી યજમાનોને ખાસ ફરક પડે તેમ નથી.પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ દરમિયાન સાઉથ આફ્રિકાનો આધારભૂત બેટ્સમેન અમલા ઈજાગ્રસ્ત બની  જતાં યજમાન ટીમની ચિંતા વધી છે. અમલાએ ઈજાગ્રસ્ત બન્યા બાદ મેદાન છોડ્યું હતુ. 

 

 

 

 

 

(5:19 pm IST)