Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

વિદેશી ધરતી પર અમારી ગ્રેટેસ્‍ટ જીતઃ બેન સ્‍ટોક્‍સ

રાવલપિંડીમાં ઇંગ્‍લેન્‍ડે નસીમ શાહ અને મોહમ્‍મદ અલીના ફાઇટબેકને છેવટે નમાવીને પાકિસ્‍તાન સામેની પ્રથમ ટેસ્‍ટ જીતી લીધી

રાવલપિંડી શહેરમાં ગઇ કાલે બેન ર્સ્‍ટોકસના નેતૃત્‍વમાં ઇંગ્‍લેન્‍ડે પાકિસ્‍તાનને બે ટેસ્‍ટની સિરીઝની પ્રથમ મેચમાં ૭૪ રનથી હરાવીને સિરીઝમાં ૧-૦થી અપરાજિત સરસાઇ મેળવી લીધી છે. રવિવારે સ્‍ટોક્‍સે હિંમતભર્યા નિર્ણયમાં બીજો દાવ ૨૬૪/૭ના સ્‍કોર પર ડિકલેર કરીને પાકિસ્‍તાનને ૩૪૩ રનમાં મેચ જીતી લેવાનો પડકાર આપ્‍યો હતો. સઉદ શકીલે ૧૫૯ બોલમાં ૭૬  રન અને મોહમ્‍મદ રિઝવાને ૯૨ બોલમાં ૪૬ રન બનાવીને ટીમમાં રનની દૃષ્‍ટિએ સૌથી મોટું યોગદાન આપ્‍યુ હતું. પરંતુ મેચમાં કુલ પાંચ વિકેટ લેનાર આઠમાં નંબરના બેટર નસીમ શાહ (૬ રન, ૪૬ બોલ, ૭૦ મિનિટ, એક ફોર) તથા અગિયારમાં ક્રમના મોહમ્‍મદ અલી(૦ અણનમ, ૨૬ બોલ, ૩૫ મિનિટ) ની જોડીએ બ્રિટિશરોને જબરદસ્‍ત લડત આપી હતી અને તેમની જીતને વિલંબમાં મૂકી હતી. છેવટે સ્‍ટોક્‍સની ટીમે ૭૪ રનથી વિજય મેળવ્‍યો હતો. મેન ઓફ-મેચ ઓલી રોબિન્‍સન તથા એન્‍ડરસને  ચાર-ચાર, જેક લીચ તથા સ્‍ટોક્‍સે એક-એક વિકેટ લીધી હતી.

ઇંગ્‍લેન્‍ડ ૧૭ વર્ષે પાકિસ્‍તાનમાં ટેસ્‍ટ રમ્‍યું. આ દેશમાં ફકત ત્રીજો ટેસ્‍ટ-વિજ્‍ય મેળવ્‍યો અને ૨૦૦૦ની સાલના બેડ લાઇટમાં મેળવેલા વિજય પછીનો પાકિસ્‍તાનમાં આ પ્રથમ વિજ્‍ય હતો.

બેન સ્‍ટોક્‍સ પાકિસ્‍તાનની ધરતી પર ટેસ્‍ટ જીતનાર ટેડ ડેકસટર (૧૯૭૧) અને નાસિર હુસેન (૨૦૦૦) પછીનો ત્રીજો કેપ્‍ટન છે. સ્‍ટોકસે ગઇ કાલના યાદગાર વિજય બાદ પત્રકારોને  કહ્યું કે ‘હું  વિદેશમાં આને ઇંગ્‍લેન્‍ડનો ગ્રેટેસ્‍ટ ટેસ્‍ટ-વિજય ગણું છુ.' આ ટેસ્‍ટ પહેલાં ખુદ સ્‍ટોક્‍સ સહિત ઘણા બ્રિટિશ પ્‍લેયર્સને પેટની બીમારી હતી છતા તેઓ રમ્‍યા અને છેવટે જીત્‍યા.

(5:40 pm IST)