Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

એકવીસમી સદીમાં ઇંગ્‍લેન્‍ડ સામે ફ્રાન્‍સ ચડિયાતું: શનિવારે કવોર્ટરમાં કશમકશ

રવિવારે ઇંગ્‍લેન્‍ડે આફ્રિકન દેશ સેનેગલની ટીમને ૩-૦થી હરાવીને કર્વોર્ટર ફાઇનલમાં એન્‍ટ્રી કરી હતી. ઇંગ્‍લેન્‍ડના કેપ્‍ટન હેરી કેને આ વર્લ્‍ડ કપમાં પહેલી વાર ગોલ કર્યો હતો. તેના બાવન ઇન્‍ટરનેશનલ ગોલ થયા છે અને ઇંગ્‍લેન્‍ડ વતી સૌંથી વધુ ગોલ કરનારાઓમાં તે હવે વેઇન રૂની(૫૩ ગોલથી) એક ડગલું પાછળ છે. બોબી શાર્લટન(૪૯) ત્રીજે અને ગેરી લિનેકર (૪૮) ચોથા સ્‍થાને છે. ૨૦૧૮ના ગયા વર્લ્‍ડકપમાં સેમી ફાઇનલમાં પહોંચનાર ઇંગ્‍લેન્‍ડ વતી રવિવારે સેનેગલ સામે હેન્‍ડરસન અને બુકાયો સાકાએ પણ એક-એક ગોલ કર્યો હતો.

ઇંગ્‍લેન્‍ડનો ફ્રાન્‍સ સામે એકંદર રેકોર્ડ ઘણો સારો છે, પરંતુ ફ્રાન્‍સનો હાથ શનિવારે કેમ ઉપર રહેશે એનું કારણ છે બન્ને દેશ વચ્‍ચે કુલ ૩૧ મેચ રમાઇ છે જેમાંથી ૧૭માં ઇંગ્‍લેન્‍ડની અને ફ્રાન્‍સની ૯માં જીત થઇ છે. પાંચ મેચ ડ્રો ગઇ છે. જોકે એમાંથી ૧૧ મુકાબલા ૧૯૫૦ પહેલાની સાલમાં થયા હતા અને ઇંગ્‍લેન્‍ડે એમાંથી ૧૦માં વિજય મેળવ્‍યો હતો. ફ્રાન્‍સનું એકવીસમી સદીમાં ઇંગ્‍લેન્‍ડ પર વર્ચસ રહયુ છે. ૨૦૦૦ની સાલથી અત્‍યાર સુધી બન્ને દેશ વચ્‍ચે જે ૭ મુકાબલા થયા છે. એમાંથી ઇંગ્‍લેન્‍ડ ફકત એક જ મેચ જીત્‍યું છે, જયારે ફ્રાન્‍સ ચાર જીત્‍યુ છે. બે મેચ ડ્રો થઇ છે. છેલ્‍લે જૂન ૨૦૧૭માં ફ્રાન્‍સે ઇંગ્‍લેન્‍ડને ૩-૨થી હરાવ્‍યુ હતું.

(4:39 pm IST)