Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વિરાટની પાસેથી વન-ડેની કેપ્ટનશિપ પણ છીનવાશે ?

કોહલીના નેતૃત્વને લઈને ફરીવાર શંકાના વાદળો : ૨૦૨૩ પહેલા ટીમ તૈયાર કરવામાં જરૂરી સમય મળી શકે તે માટે રોહિતને ટીમનું નેતૃત્વ સોંપવાનો અભિપ્રાય

નવી દિલ્હી, તા.૬ : વિરાટ કોહલીએ જ્યારથી ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમની કમાન છોડી છે ત્યારબાદથી સતત તે વાત પર ચર્ચા શરૂ થઈ છે કે વનડેમાં પણ રોહિત શર્માને કેપ્ટન બનાવી દેવો જોઈએ. માનવામાં આવી રહ્યું છે કે નિર્ણયનો સમય આવી ગયો છે. હકીકતમાં વિરાટે ટી૨૦ની કમાન છોડી ત્યારબાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં પ્રથમવાર વનડે રમશે. ટી૨૦ અને ટેસ્ટ સિરીઝ તો ન્યૂઝીલેન્ડ સામે રમી છે. ટી૨૦ ટીમની કમાન પર શંકા દૂર થઈ ગઈ છે.

ન્યૂઝીલેન્ડ પર મુંબઈ ટેસ્ટ મળેલી મોટી જીત સાથે સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે. હવે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. કાનપુરમાં થનારી સિલેક્શન મીટિંગને કોવિડ-૧૯ના નવા વેરિએન્ટ ઓનિક્રોનને કારણે ટાળી દેવામાં આવી છે. આશા કરવામાં આવી રહી છે કે ગમે ત્યારે ટીમની જાહેરાત થઈ શકે છે. કારણ કે ભારતીય ટીમે ૨૬ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા પ્રવાસ પહેલા ૫ દિવસ ક્વોરેન્ટીન થવાનું છે.

ટીમ પહેલા ૮ ડિસેમ્બરે રવાના થવાની હતી, પરંતુ મહામારીના વધતા પ્રભાવને જોતા પ્રવાસ એક સપ્તાહ મોડો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિરાટની કેપ્ટનશિપને લઈને બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, વિરાટનું એકદિવસીય કેપ્ટન રહેવું મુશ્કેલ લાગી રહ્યુ છે. આ વર્ષે ખુબ ઓછી મેચ છે તેથી એકદિવસીયનું વધુ મહત્વ નથી. તેવામાં નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે.

તેમણે કહ્યું- તેના વિરોધમાં તર્ક છે કે તમે એક પ્રકારના બે ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન રાખશો તો વિચારોનો ટકરાવ થશે. તેવામાં આ નિર્ણય સાથે જોડાયેલા મોટાભાગના લોકોને લાગે છે કે રોહિતને આ જવાબદારી સોંપવી જોઈએ જેથી તેને ૨૦૨૩ પહેલા ટીમ તૈયાર કરવામાં જરૂરી સમય મળી શકે. પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા, અભય કુરૂવિલા અને સુનીલ જોશી અહીં મુંબઈ ટેસ્ટ જોઈ રહ્યા હતા અને સોમવારથી શરૂ થનાર સપ્તાહ દરમિયાન બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહની સાથે બેઠક કરી કોઈ નિર્ણય લેશે, જેનો ભારતીય ક્રિકેટમાં લાંબા ગાળાનો પ્રભાવ હોઈ શકે છે.

ભારતે આફ્રિકામાં ત્રણ વનડે રમવાની છે અને હવે સૌથી મોટો સવાસ તે છે કે શું દેશને સફેદ બોલ (સીમિત ઓવર) ફોર્મેટમાં બે કેપ્ટનની જરૂર છે, જે ટીમમાં વિચારોના ટકરાવનું કારણ બની શકે છે. રોહિત શર્મા પહેલાથી ટી૨૦ ટીમનો કેપ્ટન છે અને ૨૦૨૩માં રમાનાર ૫૦ ઓવર વિશ્વકપને જોતા બીસીસીઆઈ વર્તુળમાં સીમિત ઓવર ફોર્મેટમાં એક કેપ્ટન રાખવાની ચર્ચા થઈ રહી છે.

(9:45 pm IST)