Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમે 249 રનથી મેચ જીતી ઇતિહાસ રચ્યો : માલદીવ ટીમ ૬ રનમાં ઓલ આઉટ

બાંગ્લાદેશે નિગાર સુલતાના અને ફરગાના હક્કની સદીથી 249 રન બનાવ્યા હતા

બાંગ્લાદેશ મહિલા ક્રિકેટે માલદીવ ક્રિકેટ ટીમને ૨૪૯ રનથી હરાવી ઈતિહાસ રચ્યો હતો. સાઉથ એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશી ટીમે ૨૦ ઓવરની મેચમાં પ્રથમ બેટિંગ કરતા નિગાર સુલ્તાના (૧૧૩) અને ફરગાના હક (૧૧૦) ની અણનમ સદીની મદદથી ૨ વિકેટે ૨૫૫ રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યાર બાદ બાંગ્લાદેશ બોલરોએ માલદીવની સંપૂર્ણ ટીમને ૬ રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. બાંગ્લાદેશની આ સતત ત્રીજી જીત છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

માલદીવના આઠ બેટ્સમેનો શૂન્ય પર આઉટ થઈ ગયા હતા તો બે ૧-૧ રન બનાવી આઉટ થઈ ગયા હતા. ટીમ તરફથી સર્વોચ્ય સ્કોર ૨ રન જ રહ્યો હતો, જે ૧૦ માં નંબરના બેટ્સમેન શમા અલીએ બનાવ્યા હતા. જયારે બાંગ્લાદેશી બોલરોએ ૪ રન એક્સ્ટ્રા રૂપમાં આપ્યા હતા. માલદીવએ ટાર્ગેટનો પીછો કરતા ૧૨.૧ ઓવર બેટિંગ કરી હતી.

માલદીવ તરફથી ઇશાલ ઈબ્રાહીમે સૌથી વધુ ૧૮ બોલનો સામનો કર્યો તો કેપ્ટન જુના મરિયમે ૧૪ બોલ સુધી બેટિંગ કરી હતી. માલદીવના પાંચ બેટ્સમેન બોલ્ડ આઉટ થયા હતા. બાંગ્લાદેશ તરફથી રિતુ મોની અને સલમા ખાતૂને સૌથી વધુ ૩-૩ વિકેટ લીધી હતી. રિતુ મોનીએ ૪ ઓવરમાં ૩ મેડન ફેંકી અને ૧ રન આપ્યો હતો. જ્યારે સલમાએ ૩.૧ ઓવરમાં ૧ મેડન ઓવર ફેંકી અને ૨ રન આપ્યા હતા. નાહિદા અખ્તર અને પૂજા ચક્રવર્તીને ૧-૧ વિકેટ મળી હતી.

(12:58 pm IST)