Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઓસ્ટ્રેલિયાના બ્રેડમેન મ્યુઝિયમમાં વિરાટ કોહલીને મળ્યું સન્માન : ભારતનો ત્રીજો ક્રિકેટર બન્યો

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તેની બેટિંગના કારણે ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. 6 ડિસેમ્બરે એડિલેડમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ પહેલાં વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયામાંથી મોટી ખુશખબર મળી છે.ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેનને સમર્પિત ધ બ્રેડમેન મ્યૂઝિમે વિરાટ કોહલીને ખાસ અંદાજમાં સન્માનિત કર્યો છે. આ મ્યુઝિયમમાં બ્રેડમેન સિવાય ખૂબ ઓછા ક્રિકેટરોની વસ્તુઓને સ્થાન આપવામાં આવે છે. ભારતમાંથી સચિન તેંડુલકર અને કપિલ દેવને અહીં સ્થાન મળ્યું છે. હવે આ યાદીમાં વિરાટ કોહલીનો સમાવેશ થયો છે. વર્ષ 2014-15ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે સિડનીમાં રમાયેલી અંતિમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. તેની આ ઈનિંગ બાદ કોહલીએ જર્સી પર સહી કરીને દાન કરી દીધી હતી. આ જર્સીને હવે બ્રેડમેન મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. કોહલીએ તે ઈનિંગમાં 230 બોલમાં 116 રનની સંઘર્ષપૂર્ણ ઈનિંગ રમી હતી.ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવન સામેની પ્રેક્ટિસ મેચમાં પણ કોહલીએ અડધી સદી ફટકારી શાનદાર ફોર્મનો પરિચય આપ્યો હતો.

(4:58 pm IST)