Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વિરાટ કોહલી સાથે સ્લેજિંગ કરવું ભારે પડી શકે છે : સ્ટીવ વો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાનીની ટીમને સલાહ : ભારતીય ક્રિકેટ ટીમ ૨૭ નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, ત્રણ વન-ડે અને ટેસ્ટ મેચની શ્રેણી પણ રમશે

મેલબોર્ન, તા.૬ : ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ પોતાની ટીમને ભારત સામેની ચાર ટેસ્ટ મેચોની આગામી સીરિઝ માટે વિરાટ કોહલી સાથે વાકયુદ્ધમાં ના પડવાની સલાહ આપી છે કારણ કે તેમનું કહેવું છે કે આમ કરવાથી વિરાટ કોહલીને સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળી જશે. જેથી તેમણે પોતાના ખેલાડીઓને કોહલી સામે શાંત રહેવાની ખાસ સલાહ આપી છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૧૭ ડિસેમ્બરે એડિલેડ ઓવલમાં ડે-નાઈટ મેચ સાથે શરુ થશે. આ પછી મેલબર્ન (૨૬ ડિસેમ્બરથી), સિડની (૭ જાન્યુઆરીથી) અને બ્રિસબેન (૧૫ જાન્યુઆરીથી)માં મેચ રમાશે. પ્રવાસની શરુઆત ૨૭ નવેમ્બરથી ત્રણ વનડે મેચની સીરિઝ સાથે થશે.

વોએ ઈએસપીએન ક્રિકઈન્ફો પર એક વિડીયોમાં કહ્યું છે કે, સ્લેજિંગથી વિરાટ કોહલીને કોઈ તકલીફ નહીં થાય. મહાન ખેલાડીઓ પર તેની અસર નથી પડતી. માટે તેનાથી દૂર રહો. આગળ તેમણે જણાવ્યું કે, તેનાથી તેમને વધારે રન બનાવવાની પ્રેરણા મળશે. માટે તેમના પર શબ્દોના બાણ ના ચલાવવા જ યોગ્ય રહેશે. ઓસ્ટ્રેલિયાના તત્કાલીન કેપ્ટન ટિમ પેન અને તેમની ટીમે ભારતીય ટીમના પાછલા પ્રવાસ દરમિયાન આ જ ભૂલ કરી હતી અને પહેલીવાર ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ૨-૧થી સીરિઝ જીતી લીધી હતી.

વોએ કહ્યું, કોહલી વર્લ્ડક્લાસ ખેલાડી છે અને તેઓ સર્વેશ્રેષ્ઠ બેટ્સમેન રહેવા માગે છે. પાછલી વખતે તેઓ અને સ્ટીવ સ્મિથ આમને સામને હતા, જેમાં સ્મિથ ત્રણ સદી લગાવીને આગળ રહ્યો હતો. આ પણ તેમના મગજમાં હશે અને તેઓ વધારે રન બનાવવા ઈચ્છશે. તેમણે કહ્યું કે એક ખેલાડી તરીકે ઘણાં નિયંત્રણમાં છે અને તેઓ ભારતને વિદેશમાં જીત અપાવવા માટે ઉત્સુક પણ હશે.

અંતમાં વોએ એ પણ કહ્યું કે, હવે તેઓ (કોહલી) પહેલા કરતા વધારે પરિપક્વ અને નિયંત્રિત બન્યા છે. તેઓ ઈચ્છે છે કે ભારત વિદેશમાં જીતીને નંબર-૧ના પોતાના રેંક સાથે ન્યાય કરે. તેઓ ટીમને એ સ્થાન પર લઈ ગયા છે જ્યાં પહેલા ટીમ નહોતી પહોંચી શકી.

(7:12 pm IST)