Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

તે ખૂબ સારો ક્રિકેટર છે, તેનો ટાઇમ પણ આવશેઃ ઓસ્‍ટ્રેલીયા પ્રવાસમાં સૂર્યકુમારની પસંદગી ન થતા વિવાદ વચ્‍ચે સૌરવ ગાંગુલીની પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લી બે-ત્રણ સીઝનમાં મળેલી સફળતા પાછળ તેના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ  પણ મોટુ કારણ છે. તેણે પોતાના જોરદાર પ્રદર્શનથી ટીમને સફળતા અપાવી છે. સંયુક્ત અરબ અમીરાતમાં જારી હાલની સીઝનની વાત કરીએ તો અહીં તેની બેટિંગ દમદાર રહી છે. વર્લ્ડ ક્લાક બોલરોની સામે તેણે જે રીતે બેટિંગ કરી છે તે પ્રશંસાપાત્ર છે. હવે આ મામલે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીનુ નિવેદન સામે આવ્યું છે.

તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ખુબ રન બનાવ્યા છે અને આ કારણે તેના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવા માટે ટીમ ઈન્ડિયામાં પસંદ થવાની ચર્ચા થઈ રહી હતી. હરભજન સિંહ જેવા ક્રિકેટરોએ પસંદગી ન થવા પર સવાલ ઉઠાવ્યા હતા. સિલેક્ટરોએ તેને જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પસંદ ન કર્યો તો ન માત્ર સીનિયર ક્રિકેટર હેરાન હતા, પરંતુ ફેન્સ તરફથી પણ પ્રતિક્રિયા જોવા મળી હતી.

આ વિશે પૂર્વ ભારતીય કેપ્ટન અને હાલ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ- તે ખુબ સારો ક્રિકેટર છે. તેનો ટાઇમ પણ આવશે. ગાંગુલીએ સાથે જણાવ્યુ કે, જે ભારતીય ક્રિકેટરોએ તેને આકર્ષિત કર્યા તેમાં સૂર્યકુમાર પણ એક છે. ગાંગુલીના આ લિસ્ટમાં રાજસ્થાન રોયલ્સના સંજૂ સેમસન, કોલકત્તા નાઇટ રાઇડર્સના રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, શુભમન ગિલ અને રાજસ્થાન રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોરના દેવદત્ત પડિક્કલના નામસામેલ છે.

ઉલ્લેખનીય છે કે એક બાદ એક દમદાર ઈનિંગને જોઈ સૂર્યકુમારથી કોચ રવિ શાસ્ત્રી પણ પ્રભાવીત થયા. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ સૂર્યકુમાર યાદવને મજબૂત અને સંયમ રાખવાનું કહ્યુ છે. સૂર્ય કુમાર યાદવની ઈનિંગ પર ટ્વીટ કરતા શાસ્ત્રીએ લખ્યુ- સૂર્ય નમસ્કાર. મજબૂત રહો અને સંયમિત રહો.

(5:05 pm IST)