Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

બોલરોની ભૂમિકા પણ નાની નથી : કોહલી : તમામ ક્ષેત્રમાં ભારતીય ટીમનો શાનદાર દેખાવ રહ્યો છે

વિશાખાપટ્ટનમ, તા. ૬ : વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર જીત મેળવી લીધા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ બોલરોની ભારે પ્રશંસા કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, બેટ્સમેનોની ભૂમિકા પણ ઓછી રહી નથી. વિરાટ કોહલીએ જીત બાદ કહ્યું હતું કે, જીત માટેના અસલી હિરો બેટ્સમેન રહ્યા છે પરંતુ બોલરોએ પણ નિર્ણાયક ભૂમિકા અદા કરી છે. રોહિત શર્માએ બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી જ્યારે મયંક અગ્રવાલે પ્રથમ ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી હતી. બોલિંગની વાત કરવામાં આવે તો સામીએ પાંચ અને રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી.

         પ્રવાસી આફ્રિકા પર ૨૦૩ રને જીત મેળવી લીધા બાદ કોહલીએ કહ્યું હતું કે, ભારતીય બેટ્સમેનોની બેટિંગ ખુબ જોરદાર રહી છે. શરૂઆતના ત્રણ દિવસમાં વિકેટે પણ સાથ આપ્યો હતો. એક સેશનમાં અમે સફળ રહ્યા ન હતા પરંતુ ૩૯૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જે પરિસ્થિતિ મુજબ યોગ્ય છે. કોહલીએ ઓપનર રોહિત શર્મા અને મયંક અગ્રવાલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, વિકેટ ધીમે ધીમે સ્લો બનતા ઝડપી બોલરોને મુશ્કેલી નડી રહી હતી. સ્પેલ નાના રાખવાથી વધારે ફાયદો થયો છે.

(7:53 pm IST)