Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

યુએસ ઓપનની સેમિફાઇનલમાં નડાલ

નવી દિલ્હી: ગત ચેમ્પિયન રફેલ નડાલે ચડાવ-ઉતારવાળી રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મેચમાં નવમા ક્રમાંકિત ડોમિનિક થિયામને પાંચ સેટ સુધી ચાલેલી મેચમાં પરાજય આપી સાતમી વખત યુએસ ઓપનમાં પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ચાર કલાક ૪૯ મિનિટ સુધી ચાલેલી મેરેથોન મેચમાં નડાલે ૦-૬, ૬-૪, ૭-૫, ૬-૭, ૭-૬થી જીત મેળવી હતી. સેમિફાઇનલમાં નડાલનો સામનો જુઆન માર્ટિન ડેલ પોટ્રો સામે થશે. ગત વર્ષે પણ બંને સેમિફાઇનલમાં ટકરાયા હતા જ્યાં નડાલે વિજય મેળવ્યો હતો. નડાલનો પોટ્રો સામે જીત-હારનો રેકોર્ડ ૧૧-૫ છે અને આ વખતે પણ નડાલને જીતનો દાવેદાર માનવામાં આવી રહ્યો છે.નડાલે પ્રથમ સેટમાં પોતાની ત્રણેય સર્વિસ ગુમાવી હતી જ્યારે ત્રીજા અને ચોથા સેટમાં પણ તેણે સર્વિસ ગુમાવ્યા બાદ વાપસી કરી હતી. થિયામે આ મેચમાં ૧૮ એસ અને ૭૪ વિનર્સ લગાવ્યા હતા પરંતુ તેણે ૫૮ અનફોર્સેડ એરર કરી હતી જેને કારણે મેચ ગુમાવવી પડી હતી. ગત ચેમ્પિયન રફેલ નડાલે આ વિજય સાથે યુએસ ઓપનમાં સતત ૧૨મી જીત મેળવી હતી. રફેલ નડાલ એક માત્ર ખેલાડી છે જેણે આ વર્ષે ચારેય ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શક્યો છે. રફેલ નડાલ વર્ષ ૨૦૦૬માં યુએસ ઓપનમાં પદાર્પણ કર્યા બાદ એકેય વખત ક્વાર્ટર ફાઇનલ પહેલાં હાર્યો નથી. નડાલે ટૂર્નામેન્ટમાં પોતાની સૌથી લાંબી મેચ રમ્યા બાદ કહ્યું કે, મારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. મેં જીત બાદ ડોમિનિકને સોરી કહ્યું હતું. તે શાનદાર ખેલાડી છે અને તેનામાં ભવિષ્યમાં  ટાઇટલ જીતવાની તક રહેલી છે.સેમિફાઇનલમાં રફેલ નડાલનો સામનો આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોટ્રો સામે થશે જેણે અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાના જ્હોન ઇસનેરને ૬-૭, ૬-૩, ૭-૬, ૬-૨થી વિજય મેળવ્યો હતો. પોતાના ઘરેલુ ગ્રાન્ડ સ્લેમમાં પ્રથમ વાર ક્વાર્ટર ફાઇનલમાં રમી રહેલી ઇસ્નેરે પ્રથમ સેટ જીતી લીધો હતો પરંતુ ડેલ પોટ્રોએ ત્રણ કલાક ૩૧ મિનિટ સુધી ચાલેલી મેચમાં બાકીના ત્રણ સેટ જીતી સેમિમાં સ્થાન બનાવ્યું હતું. ૨૦૦૯ના યુએસ ઓપન ચેમ્પિયન ડેલ પોટ્રોએ સતત બીજી વખત યુએસ ઓપનની સેમિમાં પ્રવેશ મેળવ્યો હતો. ડેલ પોટ્રોએ મેચમાં ૪૯ વિનર્સ લગાવ્યા હતા. ડેલ પોટ્રોએ આ સાથે યુએસ ઓપનમાં જીત-હારનો રેકોર્ડ ૩૪-૮ કરી દીધો છે જ્યારે ઇસ્નેર સામે તેનો જીતનો રેકોર્ડ ૮-૪ થઈ ગયો છે.

(6:18 pm IST)