Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

IPL માટે નિયમો જાહેર કરતું BCCI

કેપ્ટન ખેલાડીઓની યાદીની કોપી સાથે રાખી નહિં શકેઃ ખાલી સ્ટેન્ડનો ઉપયોગ ડ્રેસીંગરૂમ તરીકે કરાશે

સામાજીક અંતર જળવાઈ રહે તે માટે બેઠક વ્યવસ્થા કરાશેઃ ખેલાડીને ફિઝીયોથેરાપી કરવા માટે પીપીઈ કીટ ફરજીયાત પહેરવી પડશે

મુંબઈઃ બીસીસીઆઈએ આઈપીએલ -૨૦૨૦ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહીને કડક રીતે અમલ કરવાની તૈયારી કરી છે. યુએઈમાં સુરક્ષિત વાતાવરણમાં આઈપીએલ યોજવા માટે હાલની એસ.ઓ.પી. વિશે બોર્ડે તમામ ફ્રેન્ચાઇઝીઓને વાકેફ કર્યા છે. ફ્રેન્ચાઇઝીઓને સુપરત કરેલી એસઓપી જણાવે છે કે ખાલી સ્ટેન્ડનો ઉપયોગ વિસ્તૃત ડ્રેસિંગ રૂમ તરીકે કરવામાં આવશે. સામાજિક અંતર જાળવવા માટે ટીમની બેઠક વ્યવસ્થા બહાર કરવામાં આવશે.

૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં યોજાનારી આઈપીએલ ટુર્નામેન્ટમાં આ વર્ષે 'ટોસ મસ્કોટ' નહીં હોય, જેનો અર્થ એ કે બીસીસીઆઈને પ્રાયોજકતામાંથી કમાણી કરવાની બીજી તક નહીં મળે. આઈપીએલ દરમિયાન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ અને પરિવારો તેમની સાથે જોડાઇ શકે છે, પરંતુ તેમને ટીમ બસમાં મુસાફરી કરવાની છૂટ રહેશે નહીં. તેમને સુરક્ષાના અન્ય નિયમોનું પાલન કરવું પડશે.

આ ઉપરાંત ટીમોને ઇલેકટ્રોનિક ટીમ શીટનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. હવે કેપ્ટન પ્લેઇંગ ઇલેવનની સૂચિની હાર્ડ કોપી સાથે રાખી શકશે નહીં. ટીમની તબીબી ટીમના સભ્યો જેમાં ફિઝિયો, માલિશ કરનારનો સમાવેશ થાય છે તેમણે જયારે પ્લેયરને ટ્રીટમેન્ટ આપવાની જરૂર પડે ત્યારે પીપીઈ કિટ્સ પહેરવી આવશ્યક છે. સાથે જ ખેલાડીઓ અને મેચ અધિકારીઓને કડક સલાહ આપવામાં આવી છે કે મેચની દિવસો પછી તેઓ તેમની હોટલમાં પાછા ફરે ત્યારે સ્નાન કરે.

(4:08 pm IST)