Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ભારતીય ગોલ્ફર ગગનજીત ભુલ્લરે ફિજી ઈન્ટરનેશનલ ગોલ્ફ ટુર્નામેન્ટ જીતી લીધી

યુરોપિયન ટુર પર તેનું પ્રથમ ટાઈટલ હાંસલ કર્યું

 

નવી દિલ્હી :ભારતીય ગોલ્ફર ગગનજીત ભુલ્લરે અંતિમ રાઉન્ડમાં 6 અન્ડર 66ના શાનદાર સ્કોર સાથે ફિજી ઈન્ટરનેશનલ ગોલ્ફ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. જે યુરોપિયન ટુર પર તેનું પ્રથમ ટાઈટલ છે. 30 વર્ષયી ભુલ્લર સાથે એશિયન ટૂર પર ભારતનો સૌથી સફળ ખેલાડી બની ગયો છે. તે ઓસ્ટ્રેલિયા ટૂર પર વિજય નોંધાવનારો પ્રથમ ભારતીય પણ છે. જ્યારે એશિયન ટૂરમાં તેનું નવમું અને કુલ 10મું આંતરરાષ્ટ્રીય ટાઈટલ છે.

  ભુલ્લરે અંતિમ રાઉન્ડમાં પાંચ બર્ડી, એક ઈગલ અને એક બોગી સાથે અન્ડરનો સ્કોર કર્યો હતો. તેનો કુલ સ્કોર 14 અન્ડર 274નો રહ્યો હતો

   ભુલ્લરે ઓસ્ટ્રેલિયાના એન્થોની ક્લેવને એક શોટથી પાછળ રાખ્યો હતો. ક્લેવે અંતિમ રાઉન્ડમાં 9 અન્ડર 63નો સ્કોર કર્યો હતો. સાઉથ આફ્રિકાનો અર્ની એલ્સ અને ઓસ્ટ્રેલિયાનો બેન કેમ્પબેલ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યા હતા. ભારતનો અજીતેશ સંધુ અંતિમ રાઉન્ડમાં સંયુક્ત રીતે 43માં સ્થાને રહ્યો હતો

   ભુલ્લરે જણાવ્યું હતું કે મારુ પ્રદર્શન ખરેખર સારુ રહ્યું હતું અને ફક્ત સમયની રાહ જોઈ રહ્યો હતો. અંતે અહીં ટાઈટલ જીતીને હું ઘણો ખુશ છું. છેલ્લા કેટલાક સમયથી હું શાનદાર ફોર્મ જારી રાખવામાં સફળ રહ્યો છું. એશિય ટૂરમાં હું બે વખત રનર્સ અપ રહ્યો હતો. પરંતુ ટાઈટલ જીતવું મારા માટે ખાસ છે. જેનાથી મારો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.

(9:51 pm IST)